- મહારાવ પ્રાગમલજી ત્રીજાનું નિધન
- સમગ્ર કચ્છમાં શોકની લાગણી ફેલાઇ
- પોલીસ બેન્ડના સન્માન સાથે અંતિમયાત્રા નીકળી
- મહારાવ સાહેબની અણધારી વિદાયથી રાજ પરિવાર શોકમાં
કચ્છઃ રાજ્યના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાનું 85 વર્ષની વયે આજે શુક્રવારે દુઃખદ અવસાન થયું છે. ભુજના રણજીતવિલાસ પેલેસમાં પરોઢે 6 કલાકે તેમનું અવસાન થયું હતું. બીમારીથી પીડિત મહારાવ સાહેબે દેહ ત્યાગી દેતા ક્ચ્છભરમાં શોક ફેલાયો છે. મહારાવ સાહેબની અણધારી વિદાયથી રાજ પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
પોલીસ બેન્ડના સન્માન સાથે અંતિમયાત્રા નીકળી
અલગ કચ્છ રાજ્યના પ્રખર હિમાયતી રહેલા મહારાવ તેમની પાછળ ધર્મ પત્ની પ્રીતિદેવી અને 3 વારસદારોને વિલાપ કરતાં મૂકી ગયાં છે. આજે શુક્રવારે બપોરે 12થી 1 કલાક દરમિયાન તેમના દેહને રણજીતવિલાસ પેલેસ ખાતે અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ રણજીત વિલાસ પેલેસથી રાજપરિવારના સ્મશાન છત્તરડી સુધી પોલીસ બેન્ડના સન્માન સાથે અંતિમયાત્રા નીકળી હતી. રાજ પરંપરા અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અવસાનના સમાચાર જાણીને કચ્છભરના અનેક આગેવાનો અને સમાજો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. નિઃસંતાન મહારાવે છેલ્લે તેમની રાજ પરંપરાને આગળ ધપાવવા નલિયાના કુંવર ઇંદ્રજીતસિંહ જાડેજા, દેવપરના ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા અને તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજાને વારસદાર તરીકે નીમ્યા હતા.
નામાંકિત હસ્તીઓ અને મહાનુભવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મહારાવના અંતિમ દર્શન કરવા સાંસદ વિનોદ ચાવડા,ધારાસભ્ય વિરેન્દ્રસિંહ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી તેમજ ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો, નિવાસી કલેક્ટર કુલદીપસિંહ, ભુજ પ્રાંત મનીષ ગુરવાની સહિત તમામ કોઈએ બાવા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મહારાવ પ્રાગમલજી ત્રીજા વિશે માહિતી
15 ઓગસ્ટ 1947ના રોજ ભારત જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું હતું, ત્યારે દેશ અલગ અલગ રજવાડાઓમાં વહેંચાયેલો હતો. જેને એક કરવા સરદાર વલ્લભભાઈ પટેલે બીડું ઝડપ્યું હતું. દેશ સ્વતંત્ર થયો ત્યારે કચ્છના તત્કાલિન રાજવી વિજયરાજજી લંડનમાં સારવાર મેળવતાં હતા. તેમના હુકમથી તેમના પુત્ર મદનસિંહજીએ 16 ઓગસ્ટ 1947ના રોજ કચ્છ રાજ્યના ભારતમાં વિલિનીકરણ પર સહી કરી હતી. તે સમયે કચ્છનો ‘ક’ વર્ગના રાજ્ય તરીકે ઉદય થયો હતો. જેનું સંચાલન કેન્દ્રીય સરકારથી કરવામાં આવતું હતું. પાછળથી કચ્છને ગુજરાત રાજ્યના જિલ્લા તરીકે ભેળવી દેવાયુ હતું. 26 જાન્યુઆરી 1948ના રોજ વિજયરાજજીના અવસાન બાદ મદનસિંહજી મહારાવ બન્યા હતા. 17 ઓક્ટોબર 1991માં મદનસિંહજીનું અવસાન થયું હતું. ત્યારબાદ ભુજના પ્રાગમહેલ પેલેસમાં ટીલામેડી વિધિ દ્વારા તેમના જ્યેષ્ઠ પુત્ર પ્રાગમલજી ત્રીજાને મહારાવ (હિઝ હાઈનેસ મહારાજધિરાજ મિર્ઝા મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા, સવાઈ બહાદુર, કચ્છ મહારાવ) તરીકે ઘોષિત કરાયા હતા. મહારાવ પ્રાગમલજી ત્રીજાએ અજમેરની મેયો કૉલેજ અને દહેરાદૂનની દૂન સ્કૂલમાં શાળાકીય શિક્ષણ મેળવી દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. જીવનના પૂર્વાર્ધનો મોટાભાગનો સમય તેમણે મુંબઈ અને લંડનમાં વીતાવ્યો હતો. જો કે, પાછળથી તે મોટાભાગનો સમય કચ્છમાં ગાળતા હતા. મિલનસાર સ્વભાવ ધરાવતાં મહારાવ વર્ષો જૂની પરંપરાઓ સાથે આધુનિક પ્રગતિશીલ વિચારધારાના પણ પ્રોત્સાહક હતા.
આ પણ વાંચોઃ કચ્છી નવા વર્ષે રાજવી પરિવારે કર્યું પૂજન, મહારાવ પ્રાગમલજી ત્રીજાએ કચ્છી બંધુઓને પાઠવી શુભેચ્છા
કચ્છની પ્રજા અંગેની લાગણી ક્યારેય ભૂલી નહીં શકાય
મહારાવ પ્રાગમલજીના પરિવારે હંમેશા કચ્છના વિકાસ માટે કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિ માટે તથા કચ્છની પ્રજા માટે ઘણી સેવાઓ કરી છે. તેમની કચ્છની પ્રજા માટે જે લાગણી હતી તે ક્યારેય નહીં ભૂલી શકાય.
અલગ કચ્છની માંગને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું
આઝાદી બાદ કચ્છને અનેક બાબતમાં થતાં અન્યાય બાબતે તેમણે અલગ કચ્છની માંગને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. તેમણે ભૂકંપમાં ધ્વસ્ત પ્રાગમહેલ અને આયના મહેલનું પુનઃનિર્માણની કામગીરી કરાવી હતી. રાજવી પરિવારના નામે ભુજમાં રણજીતવિલાસ પેલેસ, પ્રાગમહેલ, આયના મહેલ, શરદબાગ પેલેસ, માંડવીના વિજય વિલાસ પેલેસ, ચાડવા રખાલ સહિત અનેક ઐતિહાસિક સ્મારક અને વારસો છે. મુંબઈમાં પણ મોટી મિલકત છે. પ્રાગમલજી ત્રીજાની વિદાયથી ક્ચ્છ આજે શોકમાં ગરકાવ છે તેમની ખોટ કદી પણ પુરી શકાશે નહીં.
મહારાવ કોમી એકતા માટે હંમેશા ઊભા રહ્યા હતા
મહારાવ પ્રાગમલજી ત્રીજાએ એક એવા રાજવી હતા, જેમણે યુવા કાળથી કરીને અંતિમ સુધી તેમણે પવિત્રતા જાળવી રાખી હતી તથા કોમી એકતા માટે તો હંમેશા ઊભા રહ્યા હતા.
મહારાવ પ્રાગમલજી કચ્છના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી રહેતા હતા
તેમના વારસદાર કુંવર ઇંદ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે, બીમારી બાદ મહારાવ પ્રાગમલજી ત્રીજાનું દુઃખદ અવસાન થયું છે. તે હંમેશા કચ્છની પ્રજાના હિતમાં હતા. કચ્છની પ્રજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી રહેતા હતા કચ્છની પ્રજા સુખી રહે એ માટે પ્રયત્નો કરતા હતા. ક્ચ્છ રાજની રાજ પરંપરા જળવાયેલી રહે તે માટે તેઓ આગ્રહ રાખતા હતા. કચ્છની પ્રજા સુખી હશે ત્યારે જ તેમની આત્માને શાંતિ મળી શકશે આ અણધારી આફ્તમાં સાંત્વના આપનારા સૌનો ઋણ સ્વીકાર કર્યો હતો.