કચ્છ: હવામાન વિભાગની આગાહી મુજબ સંભવિત ચક્રવાત બિપરજોય કચ્છના જખૌ અને કરાચી વચ્ચે લેન્ડફોલ કરી શકે છે. ચક્રવાતની પૂર્વ તૈયારીના ભાગરૂપે કચ્છનું વહીવટી તંત્ર પણ તૈયાર છે. કચ્છના દરિયાકાંઠાના વિસ્તારના 8000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 4 NDRF ટીમો અને 2 SDRF ટીમોને બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવી છે.
1900 બોટને મજબુત રીતે બાંધી દેવામાં આવી: કચ્છના 18 માછીમારી કેન્દ્રો પર 1900 બોટને મજબુત રીતે બાંધી દેવામાં આવી છે, જખૌ બંદર પર 70 મોટી સોલાર બોટની સુરક્ષા સઘન બનાવવામાં આવી છે, તો જખૌ બંદર પર દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને તોફાની મોજા પણ જોવા મળી રહ્યા છે. આગામી સમયમાં જખૌ પોર્ટ પર પવનની ઝડપ 130 થી 150 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે તો ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે.
કચ્છ રૂટની તમામ ટ્રેનો રદ: જિલ્લામાં સરકારી, ગ્રાન્ટેડ, નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો અને ટ્યુશન ક્લાસમાં 13 જૂનથી 15 જૂન સુધી રજા જાહેર કરવામાં આવી છે. તો કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ કોટેશ્વર, નારાયણ સરોવર અને સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય અને સ્મારક 3 દિવસ માટે બંધ જાહેર કરવામાં આવ્યા છે. કચ્છ રૂટની તમામ ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. ચક્રવાતની કટોકટીના કારણે જિલ્લા કલેક્ટરે સુરક્ષાના હેતુથી કચ્છ જિલ્લામાં ખનીજ કામ પર પ્રતિબંધ મૂક્યો છે, તેથી ખાણ ખનિજનું કામ 15 જૂન સુધી બંધ રહેશે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાને લીધી મુલાકાત: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ કચ્છની મુલાકાત લીધી હતી. સવારે કચ્છના ધારાસભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ અને કચ્છના પ્રભારી પ્રફુલ પાનસેરિયા અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ઋષિકેશ પટેલ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને તૈયારી અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. જે બાદ મનસુખ માંડવીયાએ કંડલા પોર્ટની મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી.
ભીષ્મ ક્યુબ કાર્ગો ઉપયોગમાં લેવાશે: કેન્દ્રીય પ્રધાને તોફાન પછીની સ્થિતિને પુનઃસ્થાપિત કરવા અને આરોગ્ય અને ખોરાક-પાણીની વ્યવસ્થા માટે યોજના તૈયાર કરવાની સૂચના આપી હતી. તોફાન પછી રાહત અને બચાવ કાર્યની જરૂર પડશે તો ડિજિટલ ટેક્નોલોજીથી સજ્જ ભીષ્મ કુયૂબ કાર્ગો સુવિધા દેશમાં કચ્છમાં પ્રથમ વખત ઉપયોગમાં લેવાશે. આ ક્યુબ સુવિધામાં 34 ક્યુબ્સનો સમાવેશ થાય છે. જેમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓથી લઈને આરોગ્યની જરૂરિયાતો સુધીની દરેક વસ્તુની કીટ આપત્તિના કિસ્સામાં એક આદેશથી મેળવી શકાય છે. જો જરૂર પડે તો આ ક્યુબ કાર્ગોને હેલિકોપ્ટર કે વાહનની મદદથી તરત જ કોઈપણ જગ્યાએ લઈ જઈ શકાય છે.
આર્મી, એરફોર્સ, BSFની મદદ લેવાશે: કેન્દ્રીય આરોગ્ય પ્રધાને સેનાના જવાનો દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. લઘુત્તમ નુકશાન અને ઓછી જાનહાનિને ધ્યાનમાં રાખીને, જવાનોને બચાવ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સેનાના જવાનો પણ પુરી તાકાત સાથે કોઈપણ આફતનો સામનો કરવા તૈયાર છે. તેથી જરૂર પડશે તો આર્મી, એરફોર્સ અને બીએસએફની પણ મદદ લેવામાં આવશે.