કચ્છ: સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવન ફૂંકાતા લોકોને દિવસભર ગરમ કપડાં પહેરવાનો વારો આવ્યો છે. સરેરાશ 10 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને શહેરીજનોને થરથરવા માટે મજબૂર કર્યા હતા. બપોરના સમયે તો પવનની ગતિ વધીને 20 કિ.મી. સુધી પહોંચતાં ધૂળની ડમરીઓ ઊડી હતી. હવામાન વિભાગે કોલ્ડ વેવની કોઇ ચેતવણી જારી કરી નથી, પણ સર્ક્યુલેશનની અસર તળે ભારે પવન સાથે ઠંડીનો ચમકારો ત્રણ દિવસ સુધી જારી રહ્યા બાદ રાહત મળશે તેવું લાગી રહ્યું છે.
6 ડિગ્રીથી 15 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું: આજે રાજ્યના શિતમથક નલિયામાં પારો ફરી 2 ડિગ્રી ઘટીને 6.2 ડિગ્રીએ પહોંચ્યો હતો અને આખો દિવસ ગરમ કપડાં પહેરવા પડે તેવી ઠંડક અનુભવાઇ હતી. રાજ્યમાં નલિયા પછી અમદાવાદ અને રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન નોંધાતા સૌથી વધારે ઠંડી અનુભવાઈ હતી. ભુજમાં અડધો ડિગ્રીના વધારા સાથે પારો 10.4 ડિગ્રીના બેવડા આંકમાં પહોંચ્યો હતો. રાજ્યમાં 6 ડિગ્રીથી 15 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયો હતો.
ઠંડીનું જોર યથાવત્: પહાડી રાજ્યોમાં હિમવર્ષાનો દોર જારી રહેતાં પવનના સથવારે 27મી તારીખ સુધી ઠંડીનું જોર યથાવત્ રહેશે. ઠંડીની તીવ્રતા યથાવત્ રહેતાં શાળાના બદલેલા સમયનો ગાળો લંબાયો છે. ઉલ્લેખનીય છે કે, ગયા રવિવારે નલિયામાં સીઝનનું સર્વાધિક નીચું 1.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો Vasant panchmi 2023: પ્રાકૃતિક પરિવર્તન અને જ્ઞાનપૂજા માટે મોટો દિવસ એટલે વસંતપંચમી
કામ સિવાય બહાર ન નીકળવા અપીલ: કોરોનાકાળ બાદ ભુજ શહેર, તાલુકાના સરહદી ગામો અને જિલ્લાના દુર્ગમભાગોમાં ઉભી થયેલી શીત સંચારબંધી જેવી સ્થિતિમાં કચ્છના કલેક્ટરે પ્રથમ વખત માર્ગદર્શિકા બહાર પાડીને જિલ્લામાં બે દિવસ શીત લહેરની આગાહીને લઇને લોકોને કામ સિવાય બહાર ન નીકળવા અપીલ પણ કરી છે.
આ પણ વાંચો Gujarat Weather Update : રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી, આટલા દિવસ રાખો આવી તૈયારીઓ
ઠંડીમાં ધ્યાન રાખવા સૂચનો: લોકોને કામ સિવાય ઘરથી બહાર ન નીકળવા, ઠંડા પવનો ઘરમાં ન આવે તે માટે ઘરના દરવાજા, બારીઓ યોગ્ય રીતે બંધ કરવા, ઠંડીથી ફલુ, વહેતું કે ભરેલું નાક, નાકમાંથી રક્તસ્ત્રાવ જેવી વિવિધ બીમારીઓની શક્યતા વધી જાય છે, જેથી તબીબની સલાહ લેવા, કપડા, ખોરાક, પાણી, ઇંધણ, બેટરી, ચાર્જર, ઇમરજન્સી લાઇટ અને દવાઓનો પૂરતો જથ્થો રાખવા, હવામાન વિભાગની ઠંડીને લગતી માહિતીને અનુસરવા, ફેફસાને સુરક્ષિત રાખવા મોં, નાક, માથાને ઢાંકવા, રોગ પ્રતિકારક શક્તિ જાળવવા માટે વિટામીન Cથી ભરપૂરત ફળો, શાકભાજી ખાવા, નિયમિત ગરમ પ્રવાહી પીવા, નવજાત શિશુ, બાળકો, વૃધ્ધોની ખાસ તકેદારી રાખવા, બંધ જગ્યાઓમાં કોલસો કે, લાકડા ન બાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.