છોટાઉદેપુરઃ પતિ, પત્ની ઓર વોના વધુ એક કિસ્સાનો કરુણ અંજામ સામે આવ્યો છે. આ કિસ્સામાં પતિએ જ પ્રેમ સંબંધમાં નડતરરુપ પત્નીની કરપીણ હત્યા કરી દીધી હતી. છોટાઉદેપુર પોલીસે ગણતરીના કલાકોમાં આ કેસ ઉકેલીને હત્યારા પતિની ધરપકડ કરી લીધી હતી. પોલીસે હત્યારાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પતિને જેલ ભેગો કરવાનો હુકમ કર્યો હતો.
સમગ્ર ઘટનાક્રમઃ મૃતક કેળીબેન રાઠવાના પતિ વરસન રાઠવા એક પોલીસ કર્મી હતા. તેમણે અન્ય યુવતી તારાબેન સાથે પ્રેમ સંબંધ બંધાયો. કેળીબેને આ સંબંધને વારંવાર વિરોધ કર્યો હતો. પતિએ પ્રેમ સંબંધમાં આડખીલી બનતી પત્ની કેળીબેનને મોતને ઘાટ ઉતારી દેવાનું નક્કી કર્યુ. વરસન રાઠવાએ ત્રણ દિવસ અગાઉ પત્નીને તિક્ષણ પદાર્થના 20થી 25 ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. વિક્ષિપ્ત થયેલા મૃતદેહને છોટાઉદેપુરના ગોંદરિયા ગામના જંગલોમાં ફેંકીને પતિ ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ છોટા ઉદેપુર પોલીસને થતા પોલીસે પતિ વરસન રાઠવા વિરુદ્ધ ગુનો નોંધી તેને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. પોલીસે કોર્ટમાં ગુનેગારને રજૂ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂરા થતા આરોપીને કોર્ટમાં ફરીથી રજૂ કરાયો. કોર્ટે આ હત્યારા પતિને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
પોલીસ કર્મીની પત્નીની હત્યાથી ચકચારઃ આ કિસ્સામાં મૃતક કેળીબેન પોલીસ કર્મી પતિ વરસન રાઠવાના હાથે મૃત્યુ પામ્યા હતા. આ સમાચારથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ખુદ પોલીસ પણ એક પોલીસ કર્મીની પત્નીની હત્યાથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ સમગ્ર કિસ્સામાં મૃતકના ભાઈએ પોતાના બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કેળીબેનના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પિયર નકામલી તેમજ આસપાસના ગામોમાં શોક છવાઈ ગયો હતો. હત્યારા પતિએ પોતાના હાથેથી પોતાના બે સંતાનોને માતા વિહોણા કરી દીધા. કેળીબેનના મૃતદેહના અંતિમ સંસ્કાર ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમના સાસરી પોટીયા ગામે કરવામાં આવ્યા હતા.