કચ્છ : ભુજના હૃદય સમા હમીરસર તળાવના આવ પર ઊભા થયેલા અવરોધોના લીધે વરસાદની માત્રામાં અનેકગણો વધારો આવ્યા છતાંય હમીરસર ખૂબ મુશ્કેલીથી ભરાય છે. આ તળાવ છલકાય ત્યારે વિશ્વના દરેક ખૂણે વસતા કચ્છીઓના મનની લાગણીઓ પણ છલકાય છે, ત્યારે અવરોધોની સમસ્યાને દૂર કરવા જૈન સમાજની સંસ્થાએ બીડું ઝડપ્યું છે. ભારતીય જૈન સંગઠન કચ્છ દ્વારા આગામી ચોમાસામાં ખૂબ ઓછા વરસાદમાં હમીરસર તળાવ ભરાઈ જાય તે માટે પ્રયાસો શરૂ કરાયા છે.
કચ્છીઓમાં આનંદની લાગણી : ઐતિહાસિક હમીરસર તળાવ કે જે ન માત્ર ભુજ વાસીઓ પરંતુ દરેક કચ્છીઓની ભાવના સાથે જોડાયેલું છે. હમીરસર તળાવ જ્યારે ચોમાસામાં છલકાય છે, ત્યારે વિશ્વના દરેક ખૂણે વસતા કચ્છીઓમાં આનંદની લાગણી ફેલાય છે. હમીરસર તળાવ છેલ્લા કેટલાક વર્ષોથી ભુજમાં 100 ટકાથી વધુ વરસાદ થયા બાદ પણ માંડ માંડ છલકાય છે. કારણ કે, હમીરસર તળાવમાં આવતા આવના પાણીને અવરોધો ઊભા થઈ ગયા છે, ત્યારે આ સમસ્યાને દૂર કરવા કચ્છની ભારતીય જૈન સંગઠન સંસ્થા દ્વારા અવરોધોને દૂર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં ખૂબ ઓછા વરસાદમાં હમીરસર તળાવ ભરાઈ જાય તેવા પ્રયાસો શરૂ કરાયા છે.
હમીરસર તળાવમાં અવરોધ : એક સમય હતો જ્યારે ભુજનો હમીરસર તળાવ માત્ર આઠથી દસ ઇંચ વરસાદમાં છલકાઈ જતો હતો, પરંતુ છેલ્લા થોડાક સમયથી વરસાદની માત્રામાં અગાઉની સરખામણીએ નોંધપાત્ર વધારો આવ્યા છતાં પણ હમીરસર ખૂબ મુશ્કેલીથી ભરાય છે. હાલમાં હમીરસર માંડ માંડ છલકાય છે કારણ કે તળાવની આવ પર જુદી જુદી જગ્યાએ અનેક અવરોધો ઊભા થઈ ગયા છે. આ અવરોધો દૂર કરવાનું કામ આમ તો ભુજ નગરપાલિકાનું છે, પરંતુ ભારતીય જૈન સંગઠન કચ્છ દ્વારા સ્વખર્ચે અવરોધો દૂર કરવામાં આવી રહ્યા છે. ભારતીય જૈન સંગઠન સંસ્થા દ્વારા જેસીબી, એસ્કેવેટર, ડમ્પર મારફતે આવમાં ઊભા થયેલા અવરોધો દૂર કરી આવને મોટી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સંસ્થા દ્વારા હમીરસર તળાવ ફેઝ 1નું કામ શરૂ કરવામાં આવ્યું છે અને જિલ્લા કલેકટર દ્વારા સંસ્થાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા આ કામ શરૂ કરવામાં આવ્યું છે. આગામી એકથી બે દીવસમાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે અને પ્રથમ વરસાદમાં જ હમીરસર તળાવ ભરાઈ જાય તેવી આશા છે. તો કચ્છ જેવા વિસ્તારમાં જળ સંવર્ધન માટે સૌ કોઈ આગળ આવે તે જરૂરી છે. - હિતેશ ખંડોર (ભારતીય જૈન સંગઠન કચ્છના પ્રમુખ)
હમીસર તળાવ જલ્દીથી ભરાય તે માટે કામ : ભારતીય જૈન સંગઠન કચ્છ જેના દ્વારા હમીસર તળાવ ફેઝ વન પ્રોજેક્ટમાં જુનારાજા ડેમ, હમીરાઈ તળાવ, સરદાર નગર તળાવ તેમજ ત્રણ ચેનલ છે કે જે હમીરાઇ ચેનલ, કચ્છ યુનિવર્સિટી ચેનલ અને સરદાર નગર ચેનલ એ પ્રોજેક્ટમાં સાતે સાત કેનાલ પહોળી કરવાની, સફાઈ કરવાની, તળાવ ઊંડા કરવાના, સફાઈ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. હમીસર તળાવની આવ છે ત્યાંથી જે પાણી આવે છે, ત્યાં અવરોધો ઊભા થયા છે એટલા માટે આવતા દિવસોમાં હમીસર તળાવ જલ્દીથી ભરાય તે માટે કામ કરવામાં આવી રહ્યું છે.
એક રૂપિયો લીધા વગર સ્વખર્ચે કાર્ય : ઉપરાંત આપણી સૌની ફરજ છે કે આપણે સૌ તળાવની જાળવણી કરી પાણીની બચત કરીએ જે નદી નાળા છે એને સાફ કરવાનું કામ સમયસર કરવું જરૂરી છે. મહાજન તરીકે જૈન સમાજે આગળ આવી અને આ ભૂમિકા ભજવી છે અને આ બધું જ છે એ સરકારનો કોઈપણ એક પણ રૂપિયો લીધા વગર સ્વખર્ચે કરવામાં આવી રહ્યું છે, જેમાં અનેક દાતાઓ પણ સહયોગ આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે અમૃત કાળ અને અમૃત સરોવરની વાત કરી ત્યારે એમણે કચ્છમાં પણ અપીલ કરી હતી. જેને ધ્યાનમાં રાખી પ્રયાસ કરવામાં આવ્યું છે.
7.28 કરોડ લીટરનો વધારો થશે : સમગ્ર કચ્છમાં જે પાણીનો વિષય છે, ખેતીનો વિષય છે અને પશુપાલનનો વિષય છે એના માટે આવતા દિવસોમાં વધારે જળસંગ્રહ કરી જળ શક્તિ વધશે તો જ કંઈક થઈ શકશે. આ કામગીરી અંતર્ગત હમીરસર તળાવને પાણી પહોંચાડતા અન્ય નાના તળાવોને પણ મોટા કરવામાં આવી રહ્યા છે જે થકી આ તળાવોની જળ સંગ્રહ શક્તિમાં 7.28 કરોડ લીટરનો વધારો થશે.