ભુજ: તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકોને હેરાન થવાનો વારો આવે છે. અનેક વાર રજૂઆત કરવા છતા તંત્ર ધ્યાન ના આપવાના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. શહેરમાં આવેલ ઐતિહાસિક હમીરસર તળાવ દયનીય હાલતમાં જોવા મળી રહ્યું છે. ભુજ નગરપાલિકાની કામગીરીના અભાવે તળાવમાં ગટરનું દુષિત પાણી મિશ્રિત થઈ રહ્યું છે. તો ભુજ નગરપાલિકા તળાવની જાળવણી કરવામાં નિષ્ફળ ગઈ છે. જેના કારણે તળાવ દયનીય હાલતમાં જોવા મળી રહ્યું છે. ભુજના ઉમેદનગર વિસ્તાર પાસે ભરાયેલા ગટરના દૂષિત પાણી હમીરસર તળાવમાં જાય છે. જેના કારણે શહેરની શોભા સમાન તળાવ આજે દૂષિત બન્યું છે.
" ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ માત્ર ભુજ કે કચ્છ વાસીઓનું નહિ પણ દેશના ખૂણે ખૂણે વસતા કચ્છી લોકોનું ગૌરવ છે. લોકો ચોમાસામાં ભુજની હમીરસર તળાવ ઓગનાયું કે નહીં તે હંમેશા પૂછતા હોય છે.ત્યારે હમીરસર તળાવને કાંકરિયા તળાવ જેવું બનાવવાની મોટી મોટી જાહેરાત ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી.ભુજ નગરપાલિકા આવી જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે."-- કિશોરદાન ગઢવી (પ્રમુખ,ભુજ શહેર કોંગ્રેસ)
ગટરના પાણી મિશ્રિત: કિશોરદાન ગઢવીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે હમીરસર તળાવની જાળવણીમાં ભુજ નગરપાલિકા નિષ્ફળ ગઈ છે. જેના કારણે તળાવ દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. હમીરસર તળાવ ભુજ વાસીઓની લાગણી સાથે જોડાયેલું છે.અગાઉ પણ અનેક વાર તળાવ જાળવણી માટે નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તળાવની જાળવણી માટે પાલિકા દ્વારા કોઇપણ જાતની કામગીરી કરવામાં આવી નથી.પરિણામે તળાવની અંદર આજે ગટરના પાણી મિશ્રિત થઈ રહ્યા છે.
" છેલ્લા 20 દિવસોથી ભુજ નગરપાલિકાની ટીમ વાવાઝોડામાં તેમજ પાણીના સપ્લાય માટે હોય કે પછી ડ્રેનેજ માટેનું કામ હોય 24 કલાક માટે ખડેપગે ઊભી છે.ગટરની ચેમ્બરના ઢાંકણા લોકો દ્વારા ખોલી નાખવામાં આવતા ગટરની સમસ્યા સર્જાય છે.હાલમાં ગટર લાઈન બદલવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.જેને કારણે જે જગ્યાએ બ્લોકેજ થયું છે ત્યાંનો ભરાવો છે"-- જગત વ્યાસ, (કારોબારી ચેરમેન, ભુજ નગરપાલિકા)
તકલીફમાંથી મુક્તિ: જગત વ્યાસએ વધુમાં કહ્યું કે આગામી 48 કલાકની અંદર જ સૌને આ તકલીફ માંથી મુક્તિ મળશે. મંગલમ ચાર રસ્તા પાસે કે જ્યાં ટીવી કોલોની છે. ત્યાંના ગટર હોલમાંથી નીકળે છે. પરંતુ ગટરનું પાણી હમીરસર તળાવમાં નથી જતું.આગામી સમયમાં આ પાણી પાલિકાની ટીમ દ્વારા ઉલેચી લેવામાં આવશે અને આગામી 48 કલાકની અંદર જ સૌને આ તકલીફમાંથી મુક્તિ મળશે તેવી ખાતરી આપું છું. તો બીજી બાજુ લોકોને આ સમસ્યાના કારણે હેરાન થવાનો વારો આવ્યો છે. જોકે, લોકોની મુશ્કેલીઓ કોઇ અધિકારી જોઇ રહ્યો જ ના હોય તેવું જોવા મળી રહ્યું છે.