કચ્છ : ભુજ શહેરમાં 2001 ના ભૂકંપ બાદ ઠેકઠેકાણે રિંગરોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલમાં શહેરના મોટાભાગના રિંગરોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ખરાબ રસ્તાના કારણે વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 8 કરોડની રીનોવેશન ગ્રાન્ટ મળી હોવા છતાં પણ કોઈ પણ સ્થળે સમારકામ કરવામાં આવ્યું નથી તેવો આક્ષેપ વિરોધ પક્ષના નેતા કરી રહ્યા છે.
56 કિમીમાં ફેલાયેલો રિંગરોડ : કચ્છ જિલ્લાના પાટનગર ભુજમાં 56 કિમીમાં ફેલાયેલા રિંગરોડ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે. રોડ રસ્તાનું નિર્માણ થયાને 20 વર્ષ બાદ પણ ભુજ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે રિંગરોડની ભારે અવદશા જોવા મળી રહી છે. ભુજ નગરપાલિકા દ્વારા શહેરના રિંગરોડ પાછળ કોઈ પણ રીતે ખર્ચ કરવામાં આવ્યો નથી. પરિણામે બિસ્માર રસ્તા પરથી વાહનચાલકો પસાર થવા માટે મજબૂર બન્યા છે.
વિપક્ષનો તંત્ર પર આક્ષેપ : શહેરના રિંગરોડની બંને બાજુ હાલમાં બાવળની ઝાડીનું સામ્રાજ્ય અને ગંદકી જોવા મળી રહી છે. તો અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે અને મોટા-મોટા ખાડા પણ પડયા છે. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બિસ્માર રસ્તાના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. તો રાજ્ય સરકાર દ્વારા રિ-સરફેસિંગ માટે આપવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ પણ યોગ્ય રીતે કરવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા રીનોવેશનના નામે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ રીનોવેશન માત્ર કાગળ પર જ થયું છે. ભુજમાં કોઈ પણ રસ્તાનું રિનોવેશન થયું હોય તેવું દેખાઈ રહ્યું નથી. -- કાસમ સમા (વિપક્ષી નેતા, ભુજ નગરપાલિકા)
રિંગરોડની બિસ્માર હાલત : ભુજ નગરપાલિકાના વિપક્ષ નેતા કાસમ સમાએ આ મામલે જણાવ્યું હતું કે, ભુજ શહેરમાં 2003 પછી ટાઉન પ્લાનિંગ કરીને નવા રસ્તા બનાવવામાં આવ્યા હતા. ભુજના 56 કિલોમીટરના આ રસ્તાઓ ડેવલપ કરવામાં આવ્યા હતા. પરંતુ આ રસ્તાની જાળવણી મુદ્દે નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ અને જિલ્લા પંચાયત નિષ્ફળ ગઈ છે. તંત્ર દ્વારા કોઈ પણ રસ્તાની જાળવણી થઈ નથી. જ્યારે વરસાદ પડે છે ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા રીનોવેશનના નામે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ રીનોવેશન માત્ર કાગળ પર જ થયું છે. ભુજમાં કોઈ પણ રસ્તાનું રિનોવેશન થયું હોય તેવું દેખાઈ રહ્યું નથી. રસ્તાની બંને બાજુ ઝાડીઓ વધી ગઈ છે, જેથી નાના-મોટા અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે.
ભુજ વિકાસ સત્તા મંડળ દ્વારા પણ જરૂરી ફંડની જોગવાઈ કરવામાં આવશે. BHADA ચેરમેન કલેકટરની સાથે પણ બેઠક કરીને જરૂરી માર્ગદર્શન અને ફંડ પણ મેળવી શકાય અને લોકોની જે રિંગરોડ બાબતે સમસ્યા છે તે સમસ્યાઓ માટે તાત્કાલિક નિવારણ લાવી શકાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે. -- ઘનશ્યામ ઠક્કર (ઉપપ્રમુખ, ભુજ નગરપાલિકા)
વિપક્ષની માંગ અને રજૂઆત : વાહનચાલકો રસ્તાની બિસ્માર હાલતથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે ભુજ નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત કોઈના પેટનું પાણી નથી હલી રહ્યું, જે ખરેખર દુઃખની બાબત છે. હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા રીનોવેશન કામગીરી માટે 8 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ આ રીનોવેશન કામગીરી ક્યાં થઈ તેની કોઈને પણ જાણ નથી. ત્યારે સરકાર આ રિંગરોડની જવાબદારી પાછી BHADA ને સોંપી દે તો જ ખરેખર રીતે કામગીરી થઈ ગણાશે.
તંત્રનો ખુલાસો : ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, તેમને નગરપાલિકાની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે તાત્કાલિક ધોરણે ભુજના જુદાં જુદાં પ્રશ્નો બાબતે બેઠક કરીને કેવી રીતે કાર્ય કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આવનારા સમયમાં આ પ્રશ્નનો અંગે જરૂર હશે તો સરકાર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે. જેથી સરકાર તરફથી પણ અમુક કાર્યો માટે ફંડ મળે.