કચ્છઃ આ સંદર્ભે સંસ્થાના ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. જેમાં વિદ્યાર્થીઓ નક્કી કરે તે રીતે જવાબદારોને માફી આપવા કે, પગલાં ભરવાનો નિર્ણય લેવાયો છે. કચ્છ યુનિવર્સિટી હેઠળ આવતી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટમાં ઘટનાની સંવેદનશીલતાની નજરે સમગ્ર પ્રકરણની સત્યતા જાણવા અને જાતતપાસ માટે યુનિવર્સિટીનું પ્રતિનિધિ મંડળ કાર્યકારી કુલપતિ ડૉ. દર્શનાબેન ધોળકિયાના વડપણ હેઠળ દોડી ગયું હતું.
માત્ર કન્યાઓ માટેની આ કોલેજ 2012માં શરૂ કરાઇ છે. જેનું સંચાલન ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરના નેજા હેઠળ કરવામાં આવી રહ્યું છે. જેમાં વાણિજ્ય અને વિનયન પ્રવાહમાં 650થી વધુ છોકરીઓ અભ્યાસ કરી રહી છે. આ જ સંસ્થા દ્વારા કોલેજની સાથે છાત્રાલય પણ ચલાવાઇ રહ્યું છે.
આ છાત્રાલયમાં રહીને કોલેજમાં અભ્યાસ કરતી છાત્રાઓની માસિક ધર્મના પાલન બાબતે જવાબદારોએ કરેલી અયોગ્ય તપાસણીને લઇને આ સમગ્ર મામલો ઉદ્ભવ્યો છે. કોલેજના જવાબદારો દ્વારા વર્ગખંડમાં કોણ માસિક ધર્મમાં છે. તેવું પુછાયા બાદ છાત્રાઓને બાથરૂમમાં લઇ જઇ તેમના વસ્ત્રો ઉતરાવવાની સાથે તપાસણી કરાઇ હતી.
આ બાબતે વિરોધ સાથે રજૂઆત કરતાં કોલેજના જવાબદારો દ્વારા કાઢી મૂકવાની ધાકધમકી અપાયાની અને અંતે છાત્રાઓ પાસેથી `ક્લીનચીટ' બાબતનું લખાણ પણ લખાવી લેવાયું હોવાની ફરિયાદો ઉઠી હતી.
આ મામલે કોલેજના ટ્રસ્ટી અને વાઇસ ચેરમેન પ્રવીણભાઇ પિંડોરિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, સંસ્થાને બેઠકમાં વિદર્થીનીઓ કહેશે. તે મુજબ પગલા ભરવાનો નિણર્ય લેવાયો હોવાનું જણાવ્યુ હતું. સેવાની ભાવના સાથે કન્યા શિક્ષણને કેન્દ્રમાં રાખીને કાર્યરત કરાયેલી આ કોલેજ અને છાત્રાલયનું મેનેજમેન્ટ કન્યાઓની સાથે જ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
દરમિયાન જ વિદ્યાર્થીઓ પાસે જવાબદારોને માફ કરતા પત્ર લખાવી લેવાયાની વિગતો સામે આવી હતી. સવારે પણ સંસ્થાએ વિદ્યાર્થીનીઓ કહેશે, તે મુજબ પગલા ભરાશે તેમ જણાવાઈ રહ્યું છે. ત્યારે સહજ પ્રશ્ન થાય કે, ખરેખર સંસ્થા પગલા ભરવા માંગે છે કે, આ રીતે આ સમગ્ર પ્રકરણને દબાવી દેવા માંગે છે. કારણ કે, પછાત અને ગરીબ વર્ગની વિદ્યાર્થીઓને દબાણ સાથે પત્ર લખાવી દેવાયા બાદ હવે એવું જણાવી દેવાશે દિકરીઓએ જવાબદારીને માફ કરી દીધા છે.
જો કે, વાલીઓ એટલું કહી રહયા છે કે, કોઈને થપ્પડ મારીને સ્વામાન પર ઘા કરી લીધા પછી સોરી સોરી સોરી એમ 3 વાર બોલી નાંખો એટલે કંઈ પતી જતું નથી. જવાબદારો સામે પગલા નહી ભરાય તો, સ્વાભાવિક જ ખુલીને બોલનારી દિકરીઓના હિત છાત્રાલયમાં કેટલા જળવાશે તે સવાલ છે. દરમિયાન અખિલ ભારતીય વિધાર્થી પરીષદની મહિલા પાંખ વિદ્યાર્થીનીઓ કોલેજ પહોંચી હતી અને માફી નહી પણ પગલાં ભરવાની માગ કરી હતી.