- અરબ સાગરમાં ઇઝરાયેલી વહાણ પર મિસાઈલ દ્વારા હુમલો
- ઇરાની સેના દ્વારા હુમલાની આશંકા
- સુરક્ષા એજન્સીઓ બની સતર્ક
કચ્છ: તાંઝાનિયાથી મુન્દ્રા આવી રહેલા ઇઝરાયલી વહાણ પર અરબી સમુદ્રમાં મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, ક્રૂ મેમ્બરોનો બચાવ કરવામાં આવ્યો હતો અને માત્ર એન્જિનમાં નુકસાન થયું હતું. ઇરાની સેના દ્વારા આ મિસાઈલ ચલાવવામાં આવી છે એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જોકે, તેની પુષ્ટિ થઈ શકી નથી. હુમલા બાદ ધીમી ગતિએ વહાણ મુન્દ્રા પહોંચ્યું હતું.
સુરક્ષા એજન્સીઓ બની સતર્ક
ભારતીય સુરક્ષા એજન્સીઓ આ બનાવને પગલે સતર્ક બની ગઇ હતી અને વધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇઝરાયલના સમાચાર પત્ર વાયનેટ અનુસાર આ શિપનું નામ લોરી છે અને ઇઝરાયલની XT મેનેજમેન્ટ કંપનીની માલિકીનું આ શિપ છે.
આ પણ વાંચો: ઇરાકમાં US બેઝ નજીક રોકેટ હુમલો, 1નું મોત, 5 ઘાયલ
અગાઉ પણ શિપ પર હુમલો થયો હતો
વહાણને બીજું વધારે નુકસાન થયું ન હતું અને તે તેનો પ્રવાસ યથાવત ચાલુ રાખીને મુન્દ્રા પહોંચ્યું હતું. હુમલા પછી વહાણ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધ્યું હતું. આ અગાઉ પણ ગત મહિને ઇઝરાયેલી કાર્ગો શિપ પર પણ મધદરીયે ગલ્ફ ઓફ ઓમાનમાં હુમલો થયો હતો. જેથી એજન્સીઓએ આ મુદ્દાને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: યમનના બળવાખોરોએ સાઉદી વિમાનમથક પર કર્યો હુમલો, વિમાનમાં લગાવી આગ