- પાંજરાપોળમાં કોરોનાની કપરી પરિસ્થિતિમાં 5500 ગૌવંશની સેવા
- કોરોના કાળમાં પાંજરાપોળમાં આવતા દાનમાં થયો ઘટાડો
- સંસ્થા દ્વારા કાયમી સબસીડી આપવા માટે સરકાર સમક્ષ રજૂઆત
કચ્છ: કોરોના મહામારીના સમયમાં દાતાઓ તરફથી પાંજરાપોળને દાન મળતું નથી, તેમજ સરકાર દ્વારા પણ કાયમી સબસીડી અપાતી નથી તે વચ્ચે કપરી પરિસ્થિતિમાં અબડાસા સ્થિત રાતા તળાવ વાલરામજી મહારાજ પાંજરાપોળમાં અંદાજે 5500 ગૌવંશની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે. નબળા ગૌવંશને રોજ સવારે અલગથી ખાણદાણ તેમજ અંધ, અપંગ જીવોની અલગથી સારવાર કરાય છે. ગૌવંશ માટે લીલો અને સુકો ચારો પણ અપાય છે. ભુજ નગરપાલિકા દ્વારા પણ 60 ગૌવંશને આ પાંજરાપોળમાં મૂકાયા છે.
આ પણ વાંચો : સુરતના SP ઉષા રાડાએ પોતાના નિવાસ સ્થાને બનાવી ગૌશાળા
હજાર મણ લીલોચારો અને 400 મણ સુકા ચારાની ખપત
હાલના દિવસોમાં દૈનિક 2 હજાર મણ લીલોચારો અને 400 મણ સુકા ચારાની ખપત છે. જે દાતાના સહયોગથી પૂર્ણ કરવામાં આવે છે. સંસ્થાના ટ્રસ્ટીએ કહ્યું કે, હાલમાં એક ટેમ્પો લીલોચારો વરસાદ પડે ત્યાં સુધી આપવામાં આવશે. તેમજ પાટીદાર પરિવારોનો પણ સહયોગ મળતાં દૈનિક 1300 મણ લીલોચારો દાનમાં મળે છે.
આ પણ વાંચો : ગૌ આધારિત ખેતીને પ્રત્સાહિત કરવા આખલાને હેલિકોપ્ટરમાં લઈ જવાશે
સરકાર દ્વારા યોગ્ય જવાબ મળતો નથી
સંસ્થાના સ્થાપક મનજીબાપુએ જણાવ્યું કે, વર્ષોથી સરકારમાં પાંજરાપોળોને કાયમી ધોરણે સબસીડી મળે તે માટે રજૂઆત કરાઈ છે, પરંતુ તેનો જવાબ મળતો નથી. સંસ્થાના સંચાલક કૈલાશભાઈ ગોસ્વામીએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ કોરોના કાળમાં ગૌવંશ માટે કપરા દિવસો છે અને હાલમાં દાતાઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, ત્યારે સંસ્થાના ટ્રસ્ટીઓ દાન માટે નથી મળી રહ્યા, ત્યારે સરકાર કાયમી સબસીડીની સુવિધા પૂરી પાડે તો ગૌવંશની સેવા વધારે સારી રીતે કરી શકાય.