- અંજારના વિકાસમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું
- લાંબા સમયથી હતી નવી કચેરીની માગ
- આગામી એક વર્ષમાં લોકાર્પિત કરવામાં આવશે
- અંજારના મુખ્ય ત્રણ પ્રકલ્પો ત્વરાએ પૂર્ણ કરાશે
કચ્છઃ છેલ્લા ઘણા સમયથી કચ્છમાં નવી આરટીઓ કચેરી બનાવવા અંગે માગ ઊઠી હતી. આને ધ્યાનમાં રાખી સરકારે અહીં આરટીઓ કચેરી બનાવવાનો નિર્ણય કર્યો છે, જેના માટે શુક્રવારે રાજ્યના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન પ્રધાન વાસણ આહીરે ખાતમુહૂર્ત કર્યું હતું. વાસણ આહીરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, લાંબા સમયથી અંજારની વિવિધ જુદી જુદી સંસ્થામાં તેમ જ નગરજનો દ્વારા અંજારમાં પૂર્વ કચ્છની નવી આરટીઓ કચેરી બનાવવા અંગેની રજૂઆત મળી હતી. આ કચેરી પૂર્વ કચ્છના પ્રજાજનોને આગામી એક વર્ષમાં લોકાર્પિત કરવામાં આવશે. આગામી વર્ષમાં અંજાર શહેરના મુખ્ય ત્રણ પ્રકલ્પો જેવા કે, વીર બાળભૂમિ, જૈસલ તોરલની સમાધિનો વિકાસ તેમ જ નવી આરટીઓ કચેરીના કામોને અગ્રતા આપવામાં આવશે અને ઝડપથી આ કામો સંપન્ન કરવામાં આવશે.
અંજાર તાલુકામાં થઈ રહેલા વિકાસ કામોની વાત કરતાં પ્રધાને જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છની ઘણી કચેરીઓ અંજારમાં કાર્યથી થઈ છે જેવી કે, પીજીવીસીએલ કોર્ટ, પાણી પૂરવઠા વિભાગની કચેરી, આઈટીઆઈનો સમાવેશ થાય છે. રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને ભૂકંપ બાદ કચ્છ સવાયું કચ્છ બની રહે તે માટે અનેક પ્રયત્નો કર્યા છે. આજે તેમના પ્રયત્નોથી ફળશ્રૃતિ આપણે જોઈ શકીએ છીએ.