- આગમચેતીના પગલારૂપે ગામ લેવલે જ 15 બેડનું કોવિડ કેર સેન્ટર સજ્જ
- કોરોના સામે લડવા જાગૃતિ દેખાડી અન્ય ગામડાઓને પ્રેરણા આપતું મોટા અંગિયા
- ગામના સરપંચ દ્વારા કોરોના સામે લડવા આગમચેતીના પગલા લેવાયા
કચ્છઃ નખત્રાણા તાલુકાના 1,200-1,300 વસ્તી ધરાવતા મોટા અંગિયા ગામે કચ્છના અન્ય ગામડાઓ તેમજ લોકોને એક નવી રાહ ચીંધી છે. ગામમાં પ્રવેશીએ કે તરત જ આપણું સ્વાગત કરતા, કોરોના મહામારી અંગે માહિતી આપતા, જાગૃતિ ફેલાવતા પોસ્ટર જોવા મળે છે. મોટા અંગિયા ગામના સરપંચ ઈકબાલભાઈ ઘાંચી અને ગામે જાગૃતિ દાખવી આગમચેતીના પગલારૂપે જૂન મહિના સુધીનું સચોટ આયોજન ઘડી કાઢ્યું છે. જેથી કોરોના મહામારીને ટક્કર આપી તેની સામે બાથ ભીડી શકાય.
આ પણ વાંચોઃ કચ્છ યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલનું કોવિડ હોસ્પિટલમાં કરાયું રૂપાંતર
રસીના બન્ને ડૉઝ લઈને 100 ટકા વેક્સિનેશન થયું હોય તેમના ગ્રામ પંચાયતના વેરા માફ
મોટા અંગિયા ગ્રામ પંચાયતે એક નવી જ પહેલ કરી, અન્ય ગામડાઓને એક નવો દ્રષ્ટિકોણ બતાવ્યો છે. તેમણે જે પરિવારનું રસીના બન્ને ડૉઝ લઈને સો ટકા વેક્સિનેશન થયું હોય, તેમના ગ્રામ પંચાયતના વેરા માફ કર્યા છે. જેથી લોકો આગળ આવી વેક્સિન લઈને પોતાના પરિવારને સુરક્ષિત બનાવે. ઉપરાંત 55 વર્ષથી વધુ ઉંમરના વડીલોને જો ગામ બહાર દવા માટે કે કોઇ અગત્યની બાબતે ખરીદી કરવા જવું હોય તો, પંચાયતની ગાડી નિ:શુલ્ક આપવામાં આવે છે. જેથી તેઓ સુરક્ષિત રહે અને તેમનું બહાર જવાનું પ્રમાણ પણ ઘટાડી શકાય.
15 બેડનું કોવિડ કેર સેન્ટર ઉભું કરી દેવાયું
કોરોનાએ હજુ ગામમાં બહુ દેખા દીધી નથી, પરંતુ સાવધાની ના પગલા રૂપે તેમજ લોકોને અગવડ ના પડે તે માટે ગામ લેવલે જ 15 બેડનું કોવિડ કેર સેન્ટર ઉભું કરી દેવામાં આવ્યું છે. સાથે બીમાર વ્યક્તિઓ માટે હાલ સાત્વિક ભોજન સાથેની ટિફિન સેવા પણ શરૂ કરી છે. ઉપરાંત હોમક્વોરન્ટાઇન લોકો માટે પણ અગાઉથી જ ટિફિનની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
સેનિટાઈઝ કરાવવા માટે હેલ્પલાઈન શરૂ કરાઇ
ગ્રામ પંચાયત દ્વારા એક હેલ્પ લાઈન પણ શરૂ કરવામાં આવી છે. જેથી ગામમાં કોઇને ઘરને સેનિટાઈઝ કરાવવું હોય તો, તેનો સંપર્ક કરી શકે અને રજૂઆત થતા જ વિથોણ PSC સેન્ટરના સહયોગથી ઘરને સેનિટાઇઝ કરવામાં આવે છે. ઉપરાંત સમગ્ર ગામ, મંદિર, મસ્જીદ, જૈન દેરાસર વગેરેને સેનિટરાઇઝ કરવામાં આવ્યા છે તથા જાહેર જગ્યાઓને અને ધાર્મિક સ્થાનોને સેનિટાઈઝર પણ આપવામાં આવ્યા છે. દર પંદર દિવસે ગામમાં જનરલ આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે તથા પંચાયત દ્વારા અવાર-નવાર માસ્ક અને ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ શંખેશ્વર તાલુકાના મોટીચંદુર અને કુંવારદ ગામની કલેક્ટરે મુલાકાત લીધી
આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને આશાવર્કર બહેનોનો સહયોગ
આ મહામારીના સમયમાં આગમચેતીના પગલારૂપે ત્રણ મહિનાનું આગામી આયોજન કરવામાં આવ્યું છે. તમામ કામગીરીમાં તલાટી વિરલા ભટ્ટ તેમજ પંચાયત, ગામના લોકો, વિથોઁણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને આશાવર્કર બહેનો તેમજ આંગણવાડીની બહેનોનો પણ સહયોગ મળી રહે છે.