કચ્છ : જીલ્લામાં 2001ના વિનાશક ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજ દિન સુધી યથાવત રહ્યો છે. આજે બપોરના સમયે 4:24 કલાકે 2.5ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ભચાઉ અને રાપર સુધી કંપનની અસર થઈ હતી. ભૂકંપનો આંચકો ભચાઉથી 11 કિલોમીટર દૂર નોર્થ - નોર્થ ઈસ્ટમાં નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ નોંધાતા હોય છે.
2.5 તીવ્રતાનો આંચકો જોવા મળ્યો : કચ્છના પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલ ફોલ્ટ લાઈન પર અવારનવાર આંચકાઓ નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને ભચાઉ અને રાપરની આસપાસના વિસ્તારમાં આંચકાઓ અનુભવાતા હોય છે. આજે ફરી વાગડના રણ વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. તો કચ્છમાં જેટલી ભૂકંપની ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. જોકે અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ જાતની નુકસાનીના કોઈ પણ સમાચાર સામે નથી આવી રહ્યા. પરંતુ ફોલ્ટ લાઈન પર સતત આવતા આંચકાઓને લીધે લોકોમાં ક્યારેક ભય પણ ફેલાઈ રહ્યો છે.