કચ્છ : ભારતીય સંસ્કૃતિમાં ગાયનું વિશેષ મહત્વ રહેલું છે. લોકો ગાયને માતા માનીને તેની પૂજા કરે છે. ત્યારે ગાયના ગોબરમાંથી અનેક પ્રોડક્ટ્સ બની રહી છે. ગ્લોબલી આ પ્રોડક્ટ્સની માંગ પણ જોવા મળી રહી છે. ત્યારે ગાંધીધામના અંતરજાળ વિસ્તારના દંપતી દ્વારા ગૌશાળાઓને આત્મનિર્ભર ગૌશાળા બનાવવા અંગેનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં ગૌશાળાઓમાં મળતા દાનનું પ્રમાણ પણ ઘટતું જઈ રહ્યું છે. ત્યારે આત્મનિર્ભર ગૌશાળાનો વિચાર પ્રસંશનીય છે.
આત્મનિર્ભરતાની શરુઆત : શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશ બાપટે આ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, દરેક ગૌશાળામાં ગૌપાલનનો ખૂબ ખર્ચ આવે છે. ગૌશાળાના સંચાલકોને દાન ઉપર જ નિર્ભર રહેવું પડે છે. આ કાર્ય ગુજરાતના દરેક જિલ્લામાં થઈ રહ્યું છે. બહેનો દ્વારા છાણા બનાવી હોળી સંચાલકોને સમજાવી મિટિંગ કરી હેતુ સમજાવે તો જરૂરથી લોકોનો સારો પ્રતિસાદ મળશે. આમ ગૌશાળા આત્મનિર્ભર બનશે. આ કાર્યમાં નવી પેઢીને પણ જોડાવાની જરૂર છે. ગૌશાળા સિવાયના કચ્છમાં માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામમાં રખડતા ગૌધનનું ગોબર લાવી બહેનો હોળી દહન માટે છાણા બનાવે છે. જેમાંથી સારી એવી આવક મેળવી આત્મનિર્ભર પણ થઈ રહી છે.
આત્મનિર્ભર ગૌશાળા પ્રોજેક્ટ : કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ગૌમાતાના ગોબરમાંથી હોલિકા દહન માટે છાણા બનાવવાનું એક અભિયાન 2021 માં હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કચ્છના ગાંધીધામ, આદિપુર, અંતરજાળ, વરસામેડી, અંજાર, ભુજ, મુન્દ્રાના હોળી સંચાલકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમના તરફથી યોગ્ય પ્રતિસાદ મળતા ગાંધીધામ નજીક આવેલ ગૌસેવા સમિતિ ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા શહેરના વિવિધ મહિલા મંડળનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ બહેનો દ્વારા છાણા બનાવી હોળી સંચાલક સુધી હોળી દહન માટે હોમ ડિલિવરી કરી નવી શરૂઆત કરી હતી. આ ઉપરાંત હવન માટેના છાણા પણ બનાવવામાં આવી રહ્યા છે.
પૂર્વ કચ્છના ગાંધીધામ તાલુકાના નાનકડા ગામ અંતરજાળ ખાતે કોરોનાકાળમાં જયારે તમામ સુવિધાઓ બંધ હતી. ત્યારે હું અને મારા ધર્મપત્નીએ હિંમત રાખી ગૌમાતાના શરણે ગયા હતા. અમે જાતે ગોબર લાવી વિવિધ પ્રકારના છાણા બનાવવાની શરૂઆત કરી હતી. ગૌ શાળામાં ગાયના ગોબર, દૂધ અને ગૌમૂત્રના ઉપયોગથી વિવિધ પ્રોડક્ટ્સ બનાવીને તેના વેચાણ થકી ગૌશાળાઓનું વહીવટ ચલાવી રહ્યા છે.-- મુકેશ બાપટ (ટ્રસ્ટી, શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ)
વિદેશમાં છાણાની નિકાસ : ગુજરાતમાં વિવિધ ગૌશાળા ખૂબ સારી ગોબર પ્રોડક્ટ બનાવે છે. એની માંગ પણ સારી છે. કોરોનોકાળ પછી લોકોને ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાના ગોબરનું મહત્વ સમજાયું છે. હાલમાં કચ્છ જિલ્લામાં ચિયાસર, કોડાઈ, અંજાર, ખંભરા જેવા વિસ્તારની ગૌશાળામાં બહેનો દ્વારા ગોબરની અનેક પ્રકારની પ્રોડક્ટ બનાવવામાં આવે છે. ઉપરાંત મોટા છાણા અને હવન માટેના છાણા પણ બનાવે છે. જેને મુંબઈ, દિલ્હી, અમદાવાદ, રાજકોટ જેવા શહેર સહિત વિદેશમાં પણ સપ્લાય કરવામાં આવે છે. જેમાં અમેરિકા, ઈસ્ટ લંડન, આફ્રિકા, સાઉદી અરેબિયા, દુબઈ જેવા દેશ સામેલ છે.
પર્યાવરણ જાળવણી : ગુજરાતમાં વિવિધ શહેરી અંતિમધામમાં અંતિમ સંસ્કારમાં દેશી ગોબરના 51 છાણાનો લાકડા સાથે ઉપયોગ કરવામાં આવે છે. આમ શહેરી ગૌશાળામાં છાણાની માંગ વધશે. જેથી જંગલ કપાતા અટકશે અને પર્યાવરણ પણ બચશે. હાલમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે તેની સામે રક્ષણ પણ મળશે.
15 લાખ આવક : ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આ ગૌસેવા સમિતિ દ્વારા 2 લાખ જેટલા હોલિકા દહન માટેના છાણા જુદી જુદી ગૌશાળામાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમાંથી 15 લાખ જેટલી આવક ઊભી થઈ હતી. જે જુદી જુદી ગૌશાળામાં પહોંચતી કરવામાં આવી હતી.