- શિક્ષકે હરતી-ફરતી ડિજિટલ મોબાઇલ શાળા બનાવી
- વાડી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા સાયકલથી શિક્ષક સરળતાથી જઈ શકે છે
- શિક્ષણ કાર્ય દરમિયાન કોરોનાની ગાઇડલાઈનનું સંપૂર્ણપણે કરવામાં આવે છે પાલન
કચ્છ: માંડવીની હુંદરાઈ બાગ પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા સાયકલ પર ડિજિટલ મોબાઇલ શાળા(Digital Mobile School ) બનાવવામાં આવી છે અને બાળકોને ઘેર-ઘેર શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. સાયકલ પર જ લેપટોપ અને સ્પીકર રાખીને આધુનિક રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. મસ્કાના શિક્ષકે ગુજરાતની પ્રથમ હરતી ફરતી ડિજિટલ મોબાઇલ શાળા બનાવી છે. શિક્ષક દ્વારા સાયકલને પોતાની જાતે જ મોડીફાય કરીને ebicycle બનાવવામાં આવી છે.
આ પણ વાંચો- ગૂગલે લોન્ચ કરી The Anywhere School, જાણો વિશેષતાઓ
બાળકોને તેમના ઘરે જઈને શિક્ષણ આપવા હરતી-ફરતી ડિજિટલ મોબાઇલ શાળા બનાવી
કોરોના મહામારીના સમયગાળામાં શાળા, કોલેજોમાં શૈક્ષણિક કાર્યો બંધ હતા અને હાલ ચાલુ થયા છે, પરંતુ હજુ પણ કોરોના સંપૂર્ણપણે ગયો નથી. આ કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને માંડવી તાલુકાના મસ્કા ગામના શિક્ષકને બાળકોને તેમના ઘરે જઈને શિક્ષણ આપવું તેવો વિચાર આવતા તેમણે હરતી-ફરતી ડિજિટલ મોબાઇલ શાળા(Digital Mobile School ) બનાવી છે. જેનો પ્રારંભ બાગ ગામની હુંદરાઇબાગ પ્રાથમિક શાળાથી કરવામાં આવ્યો હતો.
આધુનિક ફિચર્સ સાથે ebicycle બનાવવામાં આવી
શિક્ષક દીપકભાઈ મોતા દ્વારા સામાન્ય સાયકલમાંથી ebicycle બનાવવામાં આવી છે. આ સાયકલ સોલારથી ચાલે છે તથા ચાર્જ થાય છે ઉપરાંત પેંડલથી તો ચાલે જ છે અને વીજથી પણ ચાર્જ થઈ શકે છે. આ સાયકલમાં હોર્ન, સાઈડ સિગ્નલ, હેડ લાઈટ, લીવર, USB ચાર્જિંગ પોઇન્ટ, બેટરી ઇન્ડિકેશન, સ્પીડોમીટર સાથે-સાથે લેપટોપ રાખવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ ડિજિટલ મોબાઇલ શાળા(Digital Mobile School ) આ ebicycle મારફતે બનાવવામાં આવી છે. આ સાયકલ પાછળ તેમને 18,000થી 19,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે.
![કચ્છના શિક્ષકનો નવતર પ્રયોગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-02-digital-mobile-school-created-through-ebicycle-video-story-avb-7209751_10082021115427_1008f_1628576667_780.jpg)
બાળકોને ઘર આંગણે જઈ આપવામાં આવે છે શિક્ષણ
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દીપકભાઈ મોતા દ્વારા જ શિક્ષણ રથનો વિચાર આવતાં તેમણે પોતાની કારમાં કન્ટેન્ટ સંગ્રહિત લેપટોપ દ્વારા સંચાલિત 42 ઇંચનું LED ટીવી યુનિટ ફિટ કરીને હરતી- ફરતી ડિજિટલ શાળા બનાવી હતી. જેના દ્વારા બાળકોને ઘર આંગણે જઈને ઇલેકટ્રોનિક માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવતું હતું, પરંતુ હાલ ચોમાસાની ઋતુમાં અનેક રસ્તાઓ પર ઝાડીઓ વધી જતાં અને રસ્તો સાંકડો હોવાથી કાર દ્વારા બાળકોને શિક્ષણ આપવા પહોંચી શકાય તેમ ના હોવાથી આ ebicycle વડે વાડી વિસ્તારમાં સરળતાથી પહોંચી શકાય છે.
આ પણ વાંચો- ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓની વાંચન આદત છૂટી ન જાય તે માટે જેતપુરના આચાર્યે અપનાવ્યો નવો અભિગમ
વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં પડી રહી છે મુશ્કેલી
કોરોનાની મહામારીના સમયમાં વિદ્યાર્થીઓ શાળાએ જઇ શક્તા નથી. સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ ભલે ચાલુ કરાયું હોય પણ ઘણા એવા અંતરિયાળ વિસ્તારો છે, જ્યાં નેટવર્ક અને વીજળીનો અભાવ છે તથા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે એન્ડ્રોઇડ ફોન પણ નથી તેમજ જે વાલીઓ પાસે એન્ડ્રોઇડ ફોનની સુવિધા ઉપલબ્ધ હોય, એવા મોટાભાગના વાલીઓ વહેલી સવારે ધંધાર્થે નીકળી જાય છે અને મોડી સાંજે ઘરે આવે છે, જેથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે આવી વિડંબના ભરી પરિસ્થિતિમાંથી નજીકના વિસ્તારની શાળાઓના વિદ્યાર્થી સહિત તાલુકાના વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ મળે તે હેતુસર આ ડિજિટલ મોબાઇલ શાળા શરૂ કરવામાં આવી છે.
![કચ્છના શિક્ષકનો નવતર પ્રયોગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-02-digital-mobile-school-created-through-ebicycle-video-story-avb-7209751_10082021115427_1008f_1628576667_959.jpg)
શાળા જાય છે બાળકો પાસે
બાળકો શાળામાં નથી જઈ શકતા પણ શાળા તો બાળકો પાસે જઈ શકે એ ઉદ્દેશ સાથે શરૂ કરાયેલા આ કામને શિક્ષણ વિભાગે પણ બિરદાવ્યું છે. ડિજિટલ મોબાઇલ શાળા(Digital Mobile School )એ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોમાં રહેલા ટેલેન્ટનો પુરાવો છે.
જાણો શું કહ્યું વિદ્યાર્થીએ?
ETV Bharat સાથે વાતચીત કરતા વિદ્યાર્થી મોતા આયુષે જણાવ્યું હતું કે, લોકડાઉન હતું, ત્યારે શાળાઓ બંધ થઈ હતી. અમારા સર દ્વારા પહેલાં શિક્ષણ રથ બનાવીને અભ્યાસ કરાવવામાં આવતો હતો, પરંતુ હવે ચોમાસામાં વાડી વિસ્તારમાં ઝાડીઓ વધી જતાં સર દ્વારા ઇબાયસિકલ બનાવવામાં આવી હતી અને તેના દ્વારા અમને લેપટોપ અને સ્પીકર દ્વારા ભણાવવામાં આવે છે.
![કચ્છના શિક્ષકનો નવતર પ્રયોગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-02-digital-mobile-school-created-through-ebicycle-video-story-avb-7209751_10082021115427_1008f_1628576667_219.jpg)
જાણો શું કહ્યું વાલીએ?
ETV Bharat સાથે વાતચીત કરતા વાલી જોષી પ્રાણલાલે જણાવ્યું હતું કે, આ ખુબ સારી વાત કહેવાય કે, શિક્ષકો વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય માટે મહેનત કરી રહ્યા છે અને સાયકલ પર શિક્ષણ આપે છે તે ગૌરવની વાત કહેવાય અને આવું પહેલી વાર જોયું છે કે, સાયકલ પર શિક્ષક દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો- ખંભાતની એક અનોખી શાળાઃ બાળ અદાલતમાં નેતાઓ પણ થાય છે હાજર
જાણો શું કહ્યું શિક્ષકે?
ETV Bharat સાથે વાતચીત કરતા શિક્ષક દિપક મોતાએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. અમારી શાળા વાડી વિસ્તારની શાળા છે અને હાલમાં ચોમાસુ ચાલુ હોવાથી વીજળી પણ નથી હોતી. જેના કારણે ડીડી ગિરનાર પરનો હોમ લર્નિંગ કાર્યક્રમ વિદ્યાર્થીઓ જોઈ શકતા નથી. માટે બાળકના ઘરઆંગણે જઈ એમને ભણાવી શકીએ એ હેતુસર આ ડિજિટલ મોબાઇલ શાળા બનાવવામાં આવી છે.