ભુજ: ભુજમાં 17મી એપ્રિલથી 26 એપ્રિલ સુધી નરનારાયણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. જે અંતર્ગત હાલમાં મહાપુજામાં ભગવાનના અવતાર સ્વરૂપો, દેવો, ૠષિઓ, નક્ષત્રો, ગ્રહો, દિક્પાલો, રુદ્રો વગેરેનુ વિધિવત્ પુજન કરવામાં આવી રહ્યું છે. આ મહાપુજા દ્વારા દરેક પ્રકારની બાધાઓ દૂર થાય છે. 15 દિવસમાં કુલ 9000 જેટલા હરિભક્તો આ મહાપુજાનો લાભ લેશે.
મહાપુજાનો મહિમા: ભુજ સ્વામિનારાયણ મંદિરના સૌનક મુની સ્વામીએ મહાપુજા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "સૌ પ્રથમવાર જુનાગઢમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદ્દગુરુ ગોપાળાનંદ સ્વામીએ મહાપુજા સંવત 1901 જેઠસુદી એકાદશીના રોજ પ્રવર્તાવી હતી. આ મહાપુજામાં ભગવાનના અવતાર સ્વરૂપો, દેવો, ઋષિઓ, નક્ષત્રો, ગ્રહો, દિક્પાલો, રુદ્રો વગેરેનુ વિધિવત્ પુજન કરવામાં આવે છે. સદ્દગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાની પુજામાં જે શાલીગ્રામ આપેલો હતો તેનુ પણ મહાપુજામાં નિયમિતરીતે વેદવિધિથી પુજન કરવામાં આવે છે."
9000 હરિભક્તો મહાપુજાનો લાભ લેશે: ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અવતારો, ઈશ્વરો, અનંત મુક્તો, પાર્ષદોએ સહિત વિશિષ્ટ અને વિશેષ રૂપે ભક્તિભાવ પૂર્વક કરાતી મોટી પૂજા એટલે મહાપુજા,તો દ્વિશતાબ્દી મહોત્સવમાં આ મહાપુજા માટે એક વિશાળ વાતાનુકૂલિત ડોમ ઉભુ કરવામાં આવ્યું છે જ્યાં સવારના 7 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી દરરોજ 600 જેટલા હરિભક્તો દ્વારા મહાપુજા કરવામાં આવી રહી છે. આ મહાપૂજાનો લાભ દેશ વિદેશના હરિભક્તો લઈ રહ્યા છે. 15 દિવસમાં કુલ 9000 હરિભક્તો આ મહાપુજાનો લાભ લેશે.
દુ:ખના નિવારાણાર્થે મહાપૂજા: મહાપુજામાં નિયમિતરીતે વેદવિધિથી દેવોનું પુજન કરવામાં આવે છે જેથી કરીને કોઇપણ હરિભક્તને શારીરિક, માનસિક, કૌટુંબિક, સામાજિક, આર્થિક કે ભુતપ્રેતાદિક સંબંધીત જે કોઈ પણ મુશ્કેલી હોય તો તે સમસ્યા દૂર થાય છે. આમ તો મહાપુજામાં મુખ્ય યુજમાનો હોય તેમના દ્વારા તમામ પ્રકારની પૂજા અર્ચના આ મહાપુજામાં કરવામાં આવતી હોય છે પરંતુ પ્રથમ વખત અહીં તમામ હરિભક્તો મહાપુજા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે,આ મહાપૂજા કરનારા હરિભક્તોના મનના સંકલ્પોને ભગવાન શ્રીસ્વામિનારાયણ પૂર્ણ કરે છે. કોઈ પણ માંગલિક પ્રસંગોને નિર્વિઘ્નપણે પાર પાડવા, નૂતન ગૃહપ્રવેશ તેમજ જીવનમાં આવતા દુ:ખના નિવારાણાર્થે હરિભક્તો આ મહાપૂજા કરાવતા હોય છે.
પૂજા અનુષ્ઠાન વિધિ: મહાપુજા અંગે માહિતી આપતા સ્વામી સૌનક મુનીએ જણાવ્યું કે, દ્વિશતાબ્દી મહોત્સવ ભગવાન સ્વામિનારાયણએ જે મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એટલે કે ભગવાને જ પોતાના રૂપની પ્રતિષ્ઠા કરી હોય એવું આ અલૌકિક મંદિર છે અને એનું 200મો વર્ષનો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત મહાપુજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ 15 દિવસના અનુષ્ઠાનમાં 9000 હરિભક્તો એનો લાભ લેશે. વિદેશથી આવનાર હરિભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં આ મહાપુજા મહાઅનુષ્ઠાનએ આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રથમ વખત આ રીતની પૂજા અનુષ્ઠાન વિધિ થઈ રહી છે અને એનું જો મુખ્ય ઉદ્દેશ્ય હોય તો મહાપૂજા સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું પ્રવર્તન કર્યો છે અને ભક્તોના દુઃખ દૂર કરવા માટે એનું પ્રવર્તન થયું છે એ એનું મુખ્ય ભાવ છે.
આ પણ વાંચો Mama Dev : ભાવનગરના અનોખા મામાદેવ, ગુલાબ અને સિગારેટ ધરવાથી મનોકામના થાય છે પૂર્ણ
મહાપુજા કરવાથી દરેક પ્રકારની બાધાઓ દૂર થાય: વધુમાં સ્વામીએ જણાવ્યું હતું કે,આપણી જે સંસ્કૃતિ છે તેમાં ઘણી બધી એવી તાંત્રિક માંત્રિક શક્તિઓ છે કે જેનો ઉપયોગ દ્વેષ વૃત્તિથી બીજા લોકો પર કરવામાં આવે છે. શસ્ત્ર જે આપણે જોઈ શકીએ છીએ અશ્ત્ર એટલે કે અદ્રશ્ય શસ્ત્ર કે જેને આપણે જોઈ નથી શકતા પણ તેની પીડા આપણે અનુભવી શકીએ છીએ. જીવનમાં શસ્ત્ર અશ્ત્ર કે ગમે તેવી બાધાઓ આવે છે તો આ મહાપુજા કરવાથી દરેક પ્રકારની બાધાઓ દૂર થાય છે અને નિડર થઈને ભગવાનની પૂજામાં પોતાનું મન સ્થિર કરી શકીએ છીએ અને મુક્તિ પામી શકીએ છીએ એટલા માટે જ મહાપુજાનું પ્રવર્તન થયું છે.