કચ્છ: વાવાઝોડા બાદ રોગચાળામાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખી તંત્ર હરકતમાં આવ્યું છે. બિમારીના ફેલાઇ તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડા બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વાવાઝોડા બાદ પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય રહેતો હોય છે. ત્યારે સમગ્ર કચ્છમાં 884 ટીમ બનાવીને સર્વેલન્સની કામગીરી ચાલુ કરવામાં આવી છે.આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
"વાવાઝોડા બાદ પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે ગામડાઓમાં જઈને આરોગ્ય વિભાગની ટીમો સર્વે કરી રહી છે.પાણીજન્ય રોગચાળાથી કંઈ રીતે બચી શકાય તેમજ કયા ઉપાયો કરી શકાય તે માટે ખાસ કરીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તો તાવ, ઝાડા, ઉલટી વગેરે જેવા રોગોના લક્ષણો જણાય તો તાત્કાલિક રિપોર્ટ કરવી દવા લેવા માટે સૂચનો કરવામાં આવી રહ્યા છે"--રવીન્દ્ર ફૂલમાલી (જિલ્લા આરોગ્ય અધિકારી)
ઓઇલ નાખવાની કામગીરી: જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે.આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરની ઉત્પતિ સ્થાનો અને પોરા નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદ બાદ અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા છે. આવી જગ્યાઓ પર દવાનો છંટકાવ અને બળેલું ઓઇલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળા નાથવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
ચીફ ઓફિસરને સૂચના: પાણીજન્ય રોગો જેવા કે ટાઇફોઇડ, કમળો, ઝાડા, ઉલટી જેવા રોગો હાલમાં આ વરસાદી પાણીના ભરાવાના કારણે વધી શકે છે. તો અમુક ટાંકાઓ તેમજ રસ્તામાં જતી પાણીની પાઇપલાઇનમાં જે લીકેજ છે તે દૂર કરવામાં આવે તે માટે સરપંચ તથા જુદી જુદી નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચનો કરવામાં આવ્યા છે જેથી કરીને વરસાદી પાણી અને પીવાનું પાણી એકસાથે ન થાય અને લોકો પાણીજન્ય રોગથી બચી શકે છે.