કચ્છ: માંડવી વિસ્તારમાં પાણીના સ્ત્રોત સુધારણાને અનુલક્ષીને તેમજ જળસંચયના કાર્યો અંતગર્ત 39 જેટલા નવા ચેક ડેમ અને 31 જેટલી નદીઓમાં રિચાર્જ વેલ, 4 બોરવેલ અને 1 ડેમ રીપેરીંગનું કામ મળીને કુલ 75 કામો માંડવી વિધાનસભાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. આ કામો થકી લાખો કરોડો લીટર પાણીનો બચાવ થઈ શકશે. આ 75 કાર્ય પૈકી 39 ચેકડેમ અને 31 રિચાર્જ વેલનું કાર્ય 8 કરોડના ખર્ચે કરવામાં આવશે.આ કાર્યથી માંડવી તાલુકાના ખેડૂતોને અને લોકોને મોટા પાયે ફાયદો થશે.

5 મહિનામાં 200 જેટલા કામો કરાયા: માંડવી મતવિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે,'વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમૃત કાળની અંદર 75 કામો માટે વિવિધ વિષયો મૂક્યા હતાં જે અંતર્ગત ધારાસભ્ય તરીકે જવાબદારીપૂર્વક સુજલામ સુફલામ્ યોજના હેઠળ 102 ડેમના કામોની મંજૂરી આપી હતી અને 102 કામોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસના દિવસે જળસંગ્રહનો વિશિષ્ટ મહિમા હોય છે ત્યારે માંડવી તાલુકામાં 75 જળાશયનું કામ શરૂ કરવામાં આવ્યું છે. માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર કુલ મળીને 200 જેવા કામો છેલ્લાં 5 મહિનાની અંદર કરવામાં આવ્યા છે.'

ખેડૂતોનું જીવન સ્તર સુધરશે: આ 75 જળાશયોના કામના લીધે અગાઉ જે પાણીની તકલીફ રહેતી હતી તે દૂર થશે અને પાણીના સ્તર છે તે ઊંચા આવશે. બોરવેલના કારણે 400 ફૂટ નીચે સુધી પાણી જશે તો કંકાવટી નદીની બંને બાજુએ પણ પાણી જશે અને ખેડૂતોનું જીવન સ્તર સુધરશે અને લોકોને પાણી મળશે. આ ઉપરાંત માંડવી તાલુકો દરિયાકિનારાનો વિસ્તાર હોતા સેરેનેટી ઉપર નીચે થતી હોય છે જેથી ખારાશ તે સતત વધી છે ત્યારે ખારાશને રોકવા માટે એક આ ઉપાય છે મીઠા પાણીનો સંગ્રહ કરવો અને મીઠા પાણીનો સંગ્રહ નદીના મોઢા ઉપર જ બોરવેલ કરવાથી અંદર પાણી ઉતરશે અને પાણીની ખારાશ અટકશે.'