- કચ્છમાં બનશે ભારતનું પ્રથમ જિઓ પાર્ક
- 75 ભૂસ્તરશાસ્ત્રીય મહત્વ ધરાવતી સાઇટ્સ મળી આવી
- ગુજરાતના આર્થિક વિકાસમાં ક્ચ્છનો મહત્તમ ફાળો
કચ્છ: કચ્છમાં 200 કરોડ વર્ષ જૂની બેસિનમાં પ્રાચીન સમયની હેરિટેજ તરીકે સમાવેશ થાય તેવી 75 જેટલી સાઇટ્સ મળી આવી છે. જેને આધારે કચ્છમાં ભારતનું પ્રથમ જિઓ પાર્ક બનશે.
20 વર્ષથી કરતા હતા સંશોધન
કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા બેસિનમાં શોધાયેલી આ જીઓસાઇટ્સની વિગતો તાજેતરમાં ધ યુરોપિયન એસોસિયેશન ફોર કન્સર્વેશન જિઓલોજિકલ હેરિટેજની નામાંકિત જર્નલમાં પ્રકાશિત થઈ છે. આ બેસિન એ ભૂસ્તરશાસ્ત્રનું કુદરતી સંગ્રહાલય છે. કેટલીક જીઓસાઇટ્સ જુરાસિક યુગની પણ છે. આ પ્રાધ્યાપકોનું કહેવું છે કે જો તેને જિઓપાર્ક જાહેર કરવામાં આવે તો તેના વડો કચ્છના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે.
સમાવિષ્ટ ભૂસ્તરીય સ્થળો
જિઓપાર્કમાં લખપત કિલ્લો, માતાના મઢ, ધોળાવીરા, માંડવી બીચ, ભુજિયા હિલ, ગંગેશ્વર મંદિર, ગઢશીશા બોક્સાઈટ ક્ષેત્ર જેવા અનેક ભૂસ્તરીય સ્થળોનો સમાવેશ થાય છે.
યુનેસ્કો દ્વારા આપવામાં આવી માન્યતા
યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો) એ તેના યુનેસ્કો ગ્લોબલ જિઓપાર્ક પ્રોગ્રામ અંતર્ગત વિશ્વભરના અનેક જિઓપાર્કને માન્યતા આપવાનું શરૂ કર્યું છે, જે અભ્યાસ અને સંશોધન તેમજ જાળવણીનો મહત્વપૂર્ણ સ્રોત બની શકે છે. ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વે (જીએસઆઈ) એ દેશભરના 26 સ્થળોને આ રીતે વિકસિત થવાની ઓળખ આપી છે.
ભાવિ પેઢી માટે સ્મારકોનું રક્ષણ કરવાની જરૂરિયાત
કચ્છ બેસિન વિશ્વના મહત્વપૂર્ણ ભૌગોલિક સ્થળોમાં સ્થાન મેળવશે. કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ગૌરવ ચૌહાણ, એસ.કે. બિસ્વાસ, એમ.જી. ઠક્કર અને કેવિન પેગ દ્વારા કચ્છના ભૂસ્તરીય સ્થળોનું અધ્યયન કરવામાં આવ્યું છે. આ અધ્યયનનો હેતુ કેન્દ્ર અને રાજ્ય અધિકારીઓમાં કુદરતી ભૂસ્તરશાસ્ત્રીય સ્થળો અને ભાવિ પેઢી માટેના સ્મારકોનું રક્ષણ કરવાની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવાનો છે.
ભૌગોલિક અને એગ્રીકલ્ચરલ અભ્યાસ માટે કચ્છ સર્વશ્રેષ્ઠ
કચ્છ યુનિવર્સિટીના અર્થ અને એન્વાયરમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ગૌરવ ચૌહાણે આ અંગે ઇટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કચ્છમાં અલગ-અલગ પથ્થરો ,ખારી માટી ,ખારું પાણી અને જુદા જુદા તાપમાનમાં પાકો લેવાય છે અને કચ્છમાં બપોરના તાપમાં અને રાત્રીના તાપમાન પ્રમાણે જુદા જુદા પાકો પણ લેવાય છે જેથી એગ્રીકલ્ચર ઉપરનું અભ્યાસ કચ્છમાં સરળ બને છે અને જો ખનીજોની વાત કરવામાં આવે તો બોકસાઈટ, બેન્ટોનાઈટ, લાઈમસ્ટોન જેવા ખનીજો કચ્છમાં છે અને ગુજરાતના આર્થિક વિકાસમાં મહત્તમ ફાળો કચ્છનો છે.