કચ્છમાં છેલ્લા બે દિવસથી ધીમે-ધીમે ઠંડી જોર પકડી રહી હતી. આજે સવારે ચાર ડિગ્રીનો ફેરફાર થયો હતો. ઠંડા પવન સાથે ઠંડીની અસરથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીની અસરથી સ્વયંભૂ કર્ફ્યું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઠંડીની અસર કાંઠાળા વિસ્તારના ગામો તેમજ ઝુંપડપટ્ટી વિસ્તારમાં વધુ જોવા મળે છે. ઠંડીએ અબાલવૃદ્ધ સૌને તો પોતાની ઝપેટમાં લીધા છે, તો મુંગાં પશુઓની હાલત પણ કફોડી બની છે.
જિલ્લા મથક ભુજમાં આજે સવારે 10 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. જે ગઈકાલે 11 ડિગ્રી હતી. સમગ્ર જિલ્લામાં સરેરાશ 5થી 10 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહયો છે. જેના કારણે દિવસના ભાગે પણ ઠંડક અનુભવાઇ રહી છે. હવામાન વિભાગે પારો ગગડવા સાથે ઠંડીનો દોર જારી રહેવાની આગાહી કરી છે.
ચાલુ વર્ષે ચોમાસાએ દિવાળી બાદ પણ પોતાની મહેર વરસાવવાનું જારી રાખ્યું હતું. તેમ આ વર્ષે શિયાળો પણ પાછોતરી પકડ જમાવશે તેવો મત હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે. ખાસ કરીને એક પછી એક પશ્ચિમી વિક્ષોભ સર્જાઈ રહ્યા છે. એ જોતાં નવા વર્ષના પ્રારંભથી જ આકરી ઠંડીમાં ધ્રૂજવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે તે નકકી છે. ગત વર્ષે ડિસેમ્બર માસમાં નલિયામાં લઘુત્તમ પારો 4.2 ડિગ્રી સુધી ગગડયો હતો. તે દરમિયાન નલિયામાં 12 વખત પારો સિંગલ ડિજિટ પર પહોંચી ગયો હતો.
આ વર્ષે નલિયામાં અત્યાર સુધી 8 વખત પારો સિંગલ ડિજીટમાં પહોંચ્યો છે. ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું હતું કે, "પહાડી રાજ્યોમાં હિમવર્ષા વરસી રહી છે. પણ પવનની દિશા વારંવાર ફરતી રહેતી હોવાના લીધે હજુ સુધી તાપમાન જોઈએ તેટલું નીચે ન ઊતરતાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો નથી. પણ જે રીતે વરસાદ મોડો આવ્યો અને વિક્રમી વરસાદ પડ્યો હતો તે રીતે શિયાળો ભલે પોતાની પક્કડ મજબૂત મોડી કરશે, પણ ઠંડીનો કાતિલ દોર ટૂંક સમયમાં કચ્છને ધ્રુજાવાનો છે."