'મહા' નામનું વાવાઝોડું ગુજરાતના કાંઠે ટકરાય તેવી સંભાવના વચ્ચે સરકારે તમામ તંત્રોને એલર્ટ કરી દીધા હતાં, ત્યારે રાજયના મત્સ્યઉધોગ વિભાગે રાજયના તમામ જિલ્લા મત્સ્યઉધોગ કચેરીને તેમના બંદરો પરથી જે બોટ દરિયાઇ સફર ખેડવા માટે ગઇ હોય તેને પરત બોલાવી લેવા સુચના આપવામાં આવી હતી.
કચ્છ જિલ્લાના જખૌ, માંડવી અને મુન્દ્રા પોર્ટ પરથી મહતમ સંખ્યામાં બોટ દરીયાઇ સફર ખેડવા માટે ગઇ હતી. સાયકલોનના કારણે દરિયો તોફાની બનતાં તમામ ફિશીંગ બોટને પરત બોલાવી લેવાની સુચના અપાયા બાદ તબક્કાવાર બોટો પરત આવવાની શરૂ થઇ ગઇ હતી. આમ, છતાં હજુ જખૌની 400 બોટ તો દરિયામાં જ છે. 984 માછીમારોને ટોકન અપાયા હતાં. જેમાંથી 584 બોટો પરત જખૌ બંદરના કિનારા પર પહોંચી આવી હતી. સ્થાનિક માછીમાર એસોસિયેશનના હોદેદારો અન્ય બોટને પાછી બોલાવવા સંપર્ક કરી રહ્યા છે.
માછીમાર એસોસિયેશનના પ્રમુખ અબ્દુલ પીરજાદાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, દરિયામાં નેટવૅકનો અભાવ હોવાથી 400 જેટલી બોટો હાલ સંપર્ક વિહોણી છે. તો નવા ટોકન આપવાનું બંધ કરવા સાથે જયાં સુધી રાજય સ્તરેથી નવી સુચના ન મળે ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. હાલ જિલ્લાના કંડલા સહિતના તમામ બંદરો પર 2 નંબરનુ સિગ્નલ યથાવત રખાયું છે.
બીજીબાજુ કચ્છનું મત્સ્યઉધોગ માટે જાણીતું જખૌ બંદર પર બોટના ખડકલા જોવા મળી રહ્યાં હતાં. તેમજ 'મહા' વાવાઝોડાથી કિનારા પર લગાવેલી બોટોને નુકસાન થશે તેવો ભય પણ જખૌના માછીમારોને સતાવી રહ્યો છે.