કચ્છઃ જિલ્લાના ભૂજમાં આવેલી અદાણી સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં ચાલતી બ્લડબેંક દ્વારા સ્થાનિક( ઇન હાઉસ) અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરી હોસ્પિટલમાં બ્લડ માટેની જરૂરિયાત સંતોષાતી હતી. પરંતુ, લોકડાઉનને કારણે અનેકવિધ મર્યાદાને લઈને કેમ્પનું આયોજન થઇ શકતું ન હતું. ત્યારે હવે વહીવટીતંત્રની મંજુરી મળતા જરૂરી નિયમપાલન સાથે રક્તદાન કેમ્પની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ભુજ તાલુકાના સુખપર ગામે સમાજવાડી ખાતે પ્રથમ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 141 રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું, અને 39,350 શીશી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
બ્લડ બેન્કના વડા ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાય દ્વારા હોસ્પિટલનાં વહીવટીતંત્રને સાથે રાખી જિલ્લા કલેક્ટર પાસેથી રક્તદાન કેમ્પ માટે ખાસ કિસ્સામાં અને જરૂરિયાતમંદ દર્દીઓના હિતમાં મંજૂરી મેળવી ભુજ તાલુકાના સુખપર ગામે પ્રથમ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 141 રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું, અને 39,350 શીશી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. બ્લડ બેંકના કાઉન્સેલર દર્શન રાવલના જણાવ્યાં અનુસાર સુખપર ગામમાં રક્તદાન દરમિયાન લોકડાઉનનાં તમામ નિયમોનું પાલન કરી રક્તદાતાઓએ 44 ડીગ્રી તાપમાન વચ્ચે રક્તદાન કર્યું હતું. સુખપરના નરનારાયણ સ્વામિનારાયણ મંદિર સાથે સંકલન કરી તેમજ લક્ષ્મણ સ્વરૂપ સ્વામીજીની પ્રેરણાથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ અમરબેન રાબડીયા તથા ઉપસરપંચ મનજીભાઈ ગોરસિયા તેમજ તમામ હરિભક્તોના સહકારથી કેમ્પને સફળતા મળી હતી. રમજાન માસ દરમિયાન મુસ્લિમ ભાઈઓએ પણ હોસ્પિટલમાં 13500 શીશી રક્તનું દાન કર્યું હતું.