કચ્છઃ કોરનાના કહેર વચ્ચે કચ્છની પાલારા ખાસ જેલમાંથી વધુ 30 કેદીઓને મુક્ત કરાયા હતા. તમામ કેદીઓને ઘર સુધી પહોંચડવા સાથે તેમને રાશનકીટ પણ વિતરીત કરાઈ હતી.
સતાવાર વિગતો મુજબ ગુજરાત જેલ પ્રશાસનના વડા ડૉ. કે. એલ. એન. રાવ અને જેલ અને સુધારાત્મક વહીવટીની કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદની સૂચના મુજબ, નોવેલ કોવિડ-19 અંતર્ગત જીવલેણ અને ખતરનાક બીમારીને ધ્યાનમાં લઈને સાવચેતીનાં પગલાં ભરવા જણાવાયું છે.
જને પગલે જેલ તંત્રએ કચ્છ કલેક્ટર અને મેજિસ્ટ્રેટ પ્રવીણા ડી.કે.ના હૂકમથી લાંબી સજા ભોગવી રહેલા પૈકીના 24 પુરુષ કેદી અને 3 મહિલા કેદીને 30 દિવસની લાંબી રજા મંજૂર કરીને પેરોલ પર મુક્ત કરાયા હતા.
મુક્ત થયેલા કેદીઓનું મેડિકલ સર્ટિફિકેટ તથા પરિવાર સાથે રહેવાનું થવાથી રાશનકિટ આપવા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તરફથી સેવા નવનિર્માણ સમાજ ટ્રસ્ટના સહયોગે વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઝીંકડી ગામના સરપંચ વાલાભાઈ આહીર સહયોગી બન્યા હતા, જ્યારે જેલ પ્રશાસન અને કચ્છ પોલીસવડા સૌરભ તોલંબિયાના સહયોગે દરેક કેદીઓને તંત્ર દ્વારા રહેઠાણ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી આવી હતી.
રાશનકિટનું વિતરણ તથા કેદીમુક્તિ જેલ અધીક્ષક ડી.એમ. ગોહેલ અને જેલર પી.એચ. જાડેજાના માર્ગદર્શન હેઠળ કરાઈ હતી.