માહિતી પ્રમાણે,આ દુર્ઘટનામાં ઈશ્વરલાલ વિષ્ણુ ગોતે (ઉ.વ.27, રહે. મહારાષ્ટ્ર), શૈલેષ ફતેસીંગ જાટ (ઉ.વ.25, રાજસ્થાન) આ બે વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે લક્ષ્મણ માનકરાવ દાંડેકર (ઉ.વ.28), રાજકુમાર ભગવાનજી ખુલવા (ઉ.વ.22) અને કિશોર રામજી ગોતે (ઉ.વ.30)ને નાની-મોટી ઈજાઓ થતાં લાકડીયાને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં છે જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
જો કે, આ માલગાડી પસાર થઈ રહી હતી તે સમયે સાતેય લોકો જ્યાં ઉભા હતા તે ટ્રોલી રેફ્યુજનો જર્જરિત અને સમુદ્રની ખારાશથી સડી ગયેલો હિસ્સો ટ્રેનની ધ્રુજારી વચ્ચે અચાનક તૂટી પડતા આ સાતેય લોકો ભારેખમ સ્લીપર સાથે ધડામ દઈ નીચે સમુદ્રની ખાડીમાં કમર સમાણાં પાણીમાં ખાબક્યાં હતા.
મજૂરો નીચે પડ્યા બાદ તેમના પર ભારેખમ સ્લીપર ખાબકતાં તેમના મૃત્યુ થયા હતાં. આ દુર્ઘટના બાદ સામખિયાળી પોલીસ અને નજીકના ચેરાવાંઢના લોકોએ હાઈડ્રા અને ક્રેઈનની મદદથી પાણીમાં પડેલાં સ્લીપર હટાવ્યા હતા. તેમજ બોટની મદદથી બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટના અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.