કચ્છ : જખૌના કોસ્ટ વિસ્તારમાંથી અવારનવાર પાકિસ્તાનથી દરિયાઈ મોજામાં તણાઈ આવીને કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતો હોય છે. છેલ્લાં 12 દિવસથી જાણે જખૌનો દરિયાકિનારો ચરસનું હબ બન્યું હોય તે રીતે સતત વિવિધ સુરક્ષા એજન્સીઓને ચરસના પેકેટ મળી રહ્યા છે. ત્યારે આજે ફરી ચરસના 10 પેકેટ જખૌના સૈયદ સુલેમાનપીર દરિયા કિનારેથી મળી આવ્યા છે.
પ્લાસ્ટિકના કોથળામાંથી 10 પેકેટ મળી આવ્યા : અબડાસાના જખૌના દરિયા કાંઠો ગણાતા સૈયદ સુલેમાનપીર દરિયાકિનારાના વિસ્તારમાં જખૌ મરીન પોલીસની ટીમ અને સ્ટેટ આઇબીની ટીમ પેટ્રોલિંગ કરી હતી. તે દરિમયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. 10 પેકેટ પીળા રંગના પ્લાસ્ટિકના કોથળામાંથી મળી આવ્યા હતા. ચરસના દરેક પેકેટને વજન આશરે 1 કિલો જેટલું છે તો દરેક પેકેટ પર બ્લેક કોફી ડાર્ક સુપ્રીમો પ્રિન્ટ કરેલું છે.
વિવિધ એજન્સીઓને મળી રહ્યા છે ચરસના પેકેટ : જખૌ મરીન પોલીસે ચરસના પેકેટને લઈને વધુ તપાસ હાથ ધરી છે, તો જખૌ કોસ્ટ વિસ્તારમાં આવેલા દરિયા કાંઠા તેમજ બેટ પર સઘન તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, 15મી ઓગસ્ટથી સતત જખૌના દરિયાઈ વિસ્તારમાંથી કેફી દ્રવ્યોનો જથ્થો વિવિધ સુરક્ષા એજન્સીઓને મળી રહ્યો છે. આ ઉપરાંત જખૌના જ દરિયાઈ વિસ્તારમાંથી બે વખત વિસ્ફોટક સેલ પણ મળી આવ્યા છે.
દરિયામાં સાગર કવાયત હાથ ધરાઈ : ઉલ્લેખનીય છે કે, કચ્છમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સતત બિનવારસુ ડ્રગ્સ અને વિસ્ફોટક સેલ મળી આવતા પશ્ચિમ કચ્છના દરિયામાં સાગર કવાયત હાથ ધરાઈ છે. બિનવારસુ ડ્રગ્સ અને વિસ્ફોટક સેલ શોધવા વિવિધ એજન્સીઓના 900 જવાનો સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. જે શનિવારે રાત્રે 8 વાગ્યેથી શરૂ થયેલી કવાયત આજે સાંજે 8 વાગે પૂર્ણ થશે.