- કચ્છમાં વરસાદની આગાહી વચ્ચે ભુજ, અંજાર,રાપર, ગાંધીધામમાં ધોધમાર વરસાદ
- ભુજમાં માત્ર એક કલાકમાં 2 ઇંચ વરસાદ
- વીજળીના કડાકા ભડાકાં વચ્ચે મેઘરાજાનું આગમન
કચ્છ: ઓડીશા અને બંગાળમાં અસર થનારા ગુલાબ સાયકલોનના લીધે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરી હતી, ત્યારે આજે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે વાગડ વિસ્તારમાં વરસાદે દસ્તક આપી હતી. આડેસર, ભીમાસર, સણવા, મોડા, ખાંડેક, ફતેહગઢ, સલારી, કલ્યાણપર, પ્રાગપર સહિતના ગામોમાં જોરદાર વરસાદી ઝાપટાં પડયા હતા. જ્યારે તાલુકા મથકે સાડા ત્રણ વાગ્યે વરસાદે દસ્તક આપી હતી. રાપરમાં સાંજના 6 વાગ્યા સુધી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ભુજમાં માત્ર એક કલાકમાં 2 ઇંચ ધોધમાર વરસાદ
ભુજમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં જોત જોતામાં પાણી વહી નિકળ્યા હતા. સખત ઉકળાટ ભર્યા વાતાવરણમાં વરસાદ પડતાં ગરમીમાં સેકાઈ રહેલા લોકોને રાહત થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભુજ તાલુકાના માધાપર, કુકમા તથા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. સાંજના 5થી 6 વાગ્યા સુધીમાં ધોધમાર વીજળીના કડાકા ભડાકા સાથે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ખેડૂતોમાં સારા પાકની આશા બંધાઈ
પૂર્વ કચ્છના અંજાર તથા ગાંધીધામ તાલુકામાં પણ દિવસભરમાં ભારે ઉકળાટ વચ્ચે 1થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તાલુકાના સમગ્ર ગામોમાં વરસાદ વરસ્યો હતો તો ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા તાલુકામાં માત્ર વરસાદી ઝાપટાં નોંધાયા હતા. ધોધમાર વરસાદના આગમનથી ખેતરોમાં પાણી ભરાયાં હતા. પાક સારો થવાની આશા પણ ખેડૂતોમાં બંધાઈ હતી.
તાલુકા | વરસાદ MMમાં |
અંજાર | 50 MM |
ગાંધીધામ | 21 MM |
ભુજ | 51 MM |
મુન્દ્રા | 6 MM |
માંડવી | 1 MM |
રાપર | 35 MM |
ભચાઉ | 2 MM |