ખેડાઃ જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓએ સંસ્કૃતિના જતન સાથે આર્થિક રીતે પગભર થવાનું છે. ખેતી અને પશુપાલનમાં અદ્યતન ટેકનોલોજી અને વૈજ્ઞાનિક માર્ગદર્શનના ઉપયોગ દ્વારા પશુપાલન કરવામાં આવે, તો દૂધ ઉત્પાદન બમણું કરી શકાય છે. ખેડૂતોની આવક બમણી કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે, આ સાથે ખેડૂત બહેનો પણ પશુપાલનને પ્રાધાન્ય આપે, તો કુટુંબની આર્થિક પરિસ્થિતિ સુધરે અને બહેનો પોતે પગભર થઈ શકે. આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર પણ પ્રતિબદ્ધ છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના ડૉ. જી. સી. મંડલીએ હળવી શૈલીમાં પશુપાલન દ્વારા આર્થિક સદ્ધરતા મેળવવાના અનેક ઉપાયો બતાવ્યા હતા. આ સાથે જ વૈજ્ઞાનિક ડૉ. ભરતભાઈ દેવાળીયાએ પશુઓને નિયમિત આહાર, લીલું તથા સૂકું ઘાસ, દાણ, પાણીની સગવડતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રગતિશીલ પશુપાલક બહેનો કે જેઓ સ્પર્ધાત્મક રીતે વિજેતા થયેલા છે, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે સંયુક્ત ખેતી નિયામક કમલાબેન છૈયા, ઠાસરા તાલુકા પંચાયતના પ્રમુખ જ્યોત્સનાબેન ચાવડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સોનલબેન, નાયબ ખેતી નિયામક પી. આર. દવે, વૈજ્ઞાનિકો, ખેતીવાડી શાખાના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં પશુપાલક બહેનો તથા ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.