કપડવંજ ખાતે ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં વિધાનસભા દંડક પંકજભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભા સંબોધતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોગ્રેસ પર પ્રહાર કરી ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વર્ષમાં કરવામાં આવેલા વિવિધ વિકાસ અને જનસેવાલક્ષી કાર્યોની વાત કરતાં નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા ભાજપની તરફેણમાં જંગી મતદાન કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત હાર્દિક પટેલ પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે જે થયું તે ખોટું થયું છે. લોકશાહીમાં શોભે નહીં. અંગત રીતે ઝઘડો છે. તેમાં ભારતીય જનતા પાર્ટીનો કોઇ હાથ નથી. ચૂંટણીના બે દિવસ બાકી છે ત્યારે લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ છે. પણ તેમાં સફળ થશે નહીં પ્રજા કોગ્રેસને અને હાર્દિકને સારી રીતે જાણે છે.