વડતાલ: વર્તમાન સમયમાં ઓર્ગેનિક આહાર માટેની જાગૃતિ વધે તે જરૂરી બન્યું છે. ત્યારે શુદ્ધ અને પ્રાકૃતિક દેશી પદ્ધતિના આહાર માટે જાગૃતિ કેળવાય તે માટે વડતાલ ધામ ખાતે બિરાજમાન દેવોને ઓર્ગેનિક કેરીનો અન્નકૂટ ધરાવાયો હતો. 500 કિલો ઓર્ગેનિક કેરીનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો. વડતાલની ભૂમિ ઉત્સવની ભૂમિ છે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ના આશીર્વાદ સાથે વડતાલ બોર્ડ અનેક ઉત્સવ,સમૈયા અને સેવા કાર્ય કરી રહ્યું છે. આરાધ્ય ઇષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ સમક્ષ 500 કિલો કેરીનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો.
"આપણી લાઈફ સ્ટાઈલ અને ભોજન પદ્ધતિમાં બંનેમાં આપણા પૂર્વજોએ જે વાત મૂકી છે. એ વાત અનુસરવી એ આપણી ફરજ છે.આપણા સંતાનોને આપણે કેવું સ્વાસ્થ્ય જીવન આપવા માંગીએ છીએ એ આપણા ફૂડ એની પદ્ધતિ એના પરથી નક્કી થશે.આજે ઓર્ગેનિક કેરીનો ભોગ ભગવાનને ધરાવી દર્શનાર્થીઓને એવી પ્રાર્થના કરીએ છીએ કે ભગવાનને અર્પણ કરવાનો હોય કે, આપણે સ્વીકાર કરવાનો હોય પણ ઓર્ગેનિક ફૂડ અનાજ,શાકભાજી,ફળ ફૂલ એમાં જેટલો ભાર મુકીશુ એટલું આપણા સંતાનોને તંદુરસ્ત જીવન આપી શકીશું"-- ડો.સંત સ્વામી(આસિસ્ટન્ટ કોઠારી)
ઓર્ગેનિક કેરી અર્પણ કરાઈ: આજે શુદ્ધ દેશી પદ્ધતિના આહાર વિહાર માટે જાગૃતિ જરૂરી બની રહી છે.ત્યારે કુંડળધામથી સદ્ગુરૂ જ્ઞાનજીવન સ્વામીએ અવતારીબાગની 500 કિલો ઓર્ગેનિક કેરીઓ વડતાલવાસી દેવ માટે અર્પણ કરી છે.આ કેરી ઉત્સવની તમામ વ્યવસ્થા શ્યામ વલ્લભ સ્વામી અને સ્વયંસેવક ટીમ દ્વારા કરવામાં આવી છે. એમ વડતાલ મંદિર દ્વારા જણાવાયું છે. મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો પવિત્ર નિર્જળા અગિયારસ હોય વહેલી સવારથી જ મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.જ્યાં મંદિરમાં બિરાજતા દેવો સમક્ષ ધરાવેલા ઓર્ગેનિક કેરીના અન્નકૂટના સંપ્રદાયના હજારો હરિભક્તો એ દર્શન કર્યા હતા.ભીમ એકાદશીના પવિત્ર દિવસે આમ્રફળ આરોગતા ઈષ્ટદેવના દર્શન કરીને દર્શનાર્થીઓ ધન્ય બન્યા હતા.