- વાલ્વા ગામની શાળાના ઉપાચાર્ય દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી
- જન્મદિવસ નિમિત્તે શાળાના 225 વિદ્યાર્થીઓને ઊનની ટોપીનું વિતરણ
- ટોપી સાથે અભ્યાસ અંગે માર્ગદર્શન અને મહામારી વિશે સમજ અપાઈ
ખેડાઃ જીલ્લાના નડીયાદ તાલુકાના વાલ્લા ગામની પ્રાથમિક શાળાના ઉપાચાર્ય હિતેશ બ્રહ્મભટ્ટે તેમના જન્મદિવસની ઉજવણી કરી છે. હાલ શિયાળો ચાલી રહ્યો હોવાથી તેમના દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે આગવી પહેલ કરી શાળાના 225 વિદ્યાર્થીઓને ઊનની ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીને ધ્યાને રાખી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને પગલે હાલ શાળા બંધ હોવાથી શાળાના તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈને ટોપીઓનું વિતરણ કર્યુ હતું. આ સાથેે તેમના અભ્યાસ અંગે પૂછપરછ કરી ઘરે બેસી અભ્યાસ માટે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. તેમજ હાલ વધી રહેલા કોરોના સંક્રમણને લઈને માસ્ક સહિતના નિયમોના પાલન અંગે બાળકોને જાણકારી આપી હતી.
મહત્વનું છે કે, હાલ એકતરફ મહામારી ચાલી રહી છે, શાળાઓ બંધ છે. ત્યારે આ શિક્ષક દ્વારા આગવી પહેલ કરી બાળકોની ચિંતા કરી એક શિક્ષક તરીકેની પોતાની ફરજ નિભાવી ઉદાહરણીય કાર્ય કર્યુ છે.