પાંચ દિવસના વ્રત દરમિયાન જિલ્લામાં આવેલ વિવિધ શિવાલયોમાં કુંવારી કન્યાઓ અને યુવતીઓએ ગૌરીવ્રત રાખી શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી ઉત્તમ જીવનસાથી મળે તેવી પ્રાર્થના કરી હતી. આ વ્રતમાં શિવલિંગ પર દૂધ, જળ, બીલીપત્ર, પુષ્પ સહિતનો અભિષેક કર્યો હતો.
શાસ્ત્રોમાં વર્ણવ્યા પ્રમાણે, આ વ્રત માતા પાર્વતીએ શિવજીને પામવા કર્યુ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાની બાળાઓ જવારા ઉગાડીને પૂજન-અર્ચન કરે છે. જ્યારે મોટી કુંવારિકાઓ શિવમંદિરમાં જઈને દૂધ-જળનો અભિષેક કરે છે. આ વ્રતમાં પાંચ દિવસ મીઠા વગરના સુકા મેવા અને મોળી વસ્તુઓ ખાઇને ઉપવાસ કરવાનું હોય છે. જે વ્રત ગઈકાલે જાગરણ કરી પૂર્ણ થતાં આજે ઉપવાસ પુરા કર્યા હતા.
ખેડા જીલ્લામાં વિવિધ સ્થળો સહીત યાત્રાધામ ડાકોરમાં ગૌરીવ્રત કરેલ બાળાઓએ વહેલી સવારથી જ આજે પવિત્ર ગોમતીજીમાં પોતાના ગૌરીમાતાને વળાવ્યાં હતા જેથી ડાકોરના ગોમતીઘાટ પર મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું. સેવાભાવી સંસ્થાઓ તેમજ વ્યક્તિઓ દ્વારા વ્રત કરેલી બાળાઓ માટે વિનામૂલ્યે અલગ-અલગ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.