- ઉદ્યોગપતિના મકાનમાં તસ્કરોએ કરી ચોરી
- શહેરમાં દિવસે દિવસે વધી રહેલા ઘરફોડ ચોરીના બનાવો
- તસ્કરોએ બારણાની પટ્ટીઓ કાઢી મકાનમાં પ્રવેશી કર્યો
ખેડા: શહેરમાં દિવસે દિવસે ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે નડિયાદના જાણીતા ઉદ્યોગપતિના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. શહેરની મહાગુજરાત હોસ્પિટલ પાછળ આવેલી અલકાપુરી સોસાયટીમાં રહેતા અને નડિયાદની જાણીતી કંપની ધરાવતા અશ્વિનભાઈ સ્મિથ છેલ્લાં કેટલાક દિવસોથી અમદાવાદ ખાતે રહે છે. જેથી બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી બારણાની પટ્ટીઓ કાઢી અંદર પ્રવેશ કર્યો હતો. મકાનમાં પ્રવેશી તિજોરીનું લોક તોડી લોકરમાં મુકેલા રૂપિયા 5.40 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેમાં તસ્કરો CCTVનું ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા.
પોલિસ દ્વારા ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદથી તપાસ
આ ઘટનાની જાણ કરવામાં આવતા શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદથી તસ્કરોનું પગેરૂ પકડવા સહિતની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
શહેરમાં દિનપ્રતિદિન ઘરફોડ ચોરીના વધી રહેલા બનાવો
મહત્વનું છે કે, નડિયાદ શહેરમાં દિવસેને દિવસે ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. છેલ્લાં કેટલાંક બનાવોમાં તસ્કરો CCTVનું ડીવીઆર પણ ઉઠાવી ગયા છે. જે તસ્કરોનું પગેરૂ પોલીસ પકડી શકી નથી. ત્યારે શહેરમાં આયોજન પૂર્વક ચોરીઓ કરતી તસ્કરી ગેંગ સક્રિય બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.