ખેડાઃ ઘણા સમયથી ગુજરાત રાજ્યના સ્થાપક રવિશંકર મહારાજના ગામને વિશેષ દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં મહેમદાવાદના સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા વિશેષ દરજ્જા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જેને રાજ્ય સરકારનો હકારાત્મક પ્રતિસાદ સાંપડયો છે. ત્યારે રાજ્યના સ્થાપક મુકસેવક રવિશંકર મહારાજના સરસવણી ગામને વિશેષ દરજ્જો આપી આગામી સમયમાં પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની સંભાવનાઓ પ્રબળ બની છે.
રવિશંકર મહારાજનું ગામ એટલે સરસવણી
કરોડપતિ ભિક્ષુક, મુઠ્ઠી ઉંચેરો માનવી, મુક સેવક અને બીજા ગાંધી જેવા અનેક વિશેષણોથી જેમની ઓળખ છે તેવા લોકસેવક રવિશંકર મહારાજનું ગામ એટલે ખેડા જીલ્લામાં મહેમદાવાદ તાલુકામાં આવેલું સરસવણી ગામ. સરસવણી ગામમાં તેમનું સ્મૃતિ સ્મારક આવેલું છે. જ્યાં તેમની તસવીરો તેમજ વસ્તુઓ રાખવામાં આવી છે. જ્યાં સમયે સમયે મુલાકાતીઓ આવતા હોય છે. ગત વર્ષે પૂજ્ય મહારાજની 135મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે પદયાત્રા યોજવામાં આવી હતી. જેનું ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. તેમજ પુસ્તક લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યની સ્થાપના કરનાર રવિશંકર મહારાજ
લોકસેવક રવિશંકર મહારાજ દ્વારા 1લી મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. પોતાની તમામ મિલકત દેશસેવામાં આપી સમાજસેવા અને દેશસેવાના મંત્રને જીવનમાં ઉતારનાર રવિશંકર મહારાજે ગાંધીજીના વિચારોથી પ્રેરિત થઈ પોતાનું જીવન નિસ્વાર્થભાવે સમાજસેવામાં વ્યતિત કર્યું હતું. મહાગુજરાત ચળવળના પ્રણેતા અને ગુજરાત રાજ્યની સ્થાપના માટે જેમનો સિંહફાળો છે તેવા રવિશંકર મહારાજની સમાજસેવા લોકજીવનમાં આદર્શ છે. મહારાજનું વતન ખેડા જિલ્લામાં આવેલું સરસવણી ગામ છે. જ્યાં તેમનું ઘર કે જે તેમણે શાળા માટે આપ્યું હતું. જે ગામમાં નવીન શાળા બનતા હાલ ત્યાં મહારાજનું સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું છે.જેમાં તેમની તસવીરો તેમજ વસ્ત્રો સહિતની વિવિધ વસ્તુઓ લોકોના દર્શનાર્થે રાખવામાં આવી છે.
1930માં દાંડી કૂચમાં ભાગ લીધો હતો
રવિશંકર મહારાજે નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં ડગ માંડ્યા હતા. 1920માં સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી આચાર્યથી માંડી પટાવાળા સુધીની ફરજ બજાવી. 1923માં બોરસદ સત્યાગ્રહ સહિત વેરા નહીં ભરવાની ગામેગામ ઝુંબેશ ઉપાડી હતી.1926માં બારડોલી સત્યાગ્રહ, 1930માં દાંડી કૂચમાં ભાગ લીધો હતો.1942માં ભારત છોડો ચળવળમાં પણ આગળ પડી આગેવાની કરી હતી. આ બધા સત્યાગ્રહની ચળવળમાં તેઓએ જેલવાસ પણ ભોગવ્યો હતો. જેલવાસ દરમિયાન તેઓ ગામઠી ગીતા સમજાવતા હતા. 1920માં રવિશંકર મહારાજના જ્યારથી પગરખા ચોરાયા હતા ત્યારથી તેઓએ પગરખાનો ત્યાગ કરી દીધો હતો.
પહેલી મે 1960ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના તેમના હસ્તે કરવામાં આવી હતી. જે બાદ 1984 સુધી જે કોઇ ગુજરાતના મુખ્યપ્રધાન બને તે સોગંદ વિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી હતી. 71 વર્ષની ઉંમરે 1955 થી 1958 દરમિયાન ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.એપ્રિલ 1970માં સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઈની પ્રતિમાનું ઉદ્ઘાટન પણ રવિશંકર મહારાજે કર્યું હતું. સ્મૃતિ ભવનમાં આ તેમની તસવીર જોતા આજે પણ તેમની હયાતીના પુરાવા સ્મૃતિ ભવનમાં જોવા મળી રહ્યા છે.
મહત્વનું છે કે, ગુજરાત રાજ્યની સ્થાપના કરનાર રવિશંકર મહારાજના ગામને વિશેષ દરજ્જો આપી વિકસાવાય તો ગુજરાત રાજ્યની સ્થાપના, તેનો ઇતિહાસ, તેની સાથે સંકળાયેલા ચળવળકારો સહિત સમગ્ર ઇતિહાસ અંગેની તમામ જાણકારી રાજ્યભરના મુલાકાતીઓને મળી રહે તેમ છે.