કચ્છ : એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન બન્નીમાં ચિતલ હરણનું મોત થયું હોવાનું સામે આવી છે. હાલમાં સંભવિત શિયાળના હુમલાથી ચિતલનું મોત થયું હોવાનું અનુમાન છે, ત્યારે વન વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બન્ની ગ્રાસલેન્ડ વિભાગના નાયબ વન સંરક્ષકે જણાવ્યું કે, પી.એમ. રિપોર્ટ બાદ ચિતલના મોતનું સાચું કારણ સામે આવશે.
બન્નીમાં 20 ચિતલ હરણ : ઉલ્લેખનીય છે કે. રામપરાથી 20 ચિતલ હરણ કચ્છના બન્નીમાં પ્રથમવાર લાવવામાં આવ્યા હતા. થોડા સમય અગાઉ જ ચિતલને આ 100 હેક્ટરના ફેન્સીંગ વિસ્તારમાં લઈ આવવામાં આવ્યા છે. હાલમાં ચિતલ કચ્છના વાતાવરણથી ટેવાઈ રહ્યા હતા. જોકે, આ વિસ્તારમાં 1 ફોરેસ્ટર અને 2 ગાર્ડ તૈનાત જ હોય છે.
ચિત્તલ હરણનું મોત નીપજ્યું : હાલમાં જ ચિત્તલ હરણનું પહેલું મોત નીપજ્યું છે. પ્રાથમિક તારણ મુજબ સંભવિત શિયાળ આ જંગલ વિસ્તારમાં પહોંચ્યું હતું અને ચિતલ પર હુમલો કરતા તેનું મૃત્યુ નીપજ્યું હશે તેવું જાણવા મળી રહ્યું છે. બન્ની ગ્રાસલેન્ડ વિભાગના DCF બી. એમ. પટેલે ચિત્તલના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ચિતલના મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે.
ચિતલની સલામતી માટે પગલાં : સામાન્ય રીતે જંગલમાં ઇનફાઇટ, હુમલાથી કે કુદરતી મૃત્યુ સામાન્ય માનવામાં આવતા હોય છે. જોકે, અહીંના વાતાવરણ કે ખોરાક સહિતના મુદ્દાઓને કારણે ચિતલનું મૃત્યુ નથી થયું. જો ચિતલ જ્યાં રહે છે ત્યાં ફેન્સીંગમાં શિયાળ નીચેથી ઘૂસી શકે તેમ છે અથવા તો શિયાળ કૂદીને ગયું છે, તો ચિત્તલની સલામતી માટે આગામી સમયમાં વનવિભાગ દ્વારા પગલાં ભરવામાં આવશે.