ડાકોર: ડાકોર રણછોડરાયજી મંદિર ખુલ્યાં બાદ ખેડા કલેકટર આઈ.કે.પટેલની પ્રથમ મુલાકાતમાં કલેકટરે રણછોડરાયજીના દર્શન કરી મંદિર પ્રશાસન સાથે મંદિર ખુલ્યાં બાદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત ડાકોરમાં પરંપરાગત ઉજવાતી રથયાત્રા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. જો કે, ડાકોરમાં રથયાત્રા થશે કે કેમ તે બાબતે હજુ અસમંજસની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.
મંદિર પ્રશાસન દ્વારા રથયાત્રા યોજવા બાબતે યોગ્ય તૈયારીઓ સાથે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને તે બાબતે ઝીણવટપૂર્વકની કાળજી રાખી કામગીરી કરવામાં આવશે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. જો કે રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ રથયાત્રા અંગે નિર્ણય કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે જણાવ્યું હતું.
મહત્વનું છે કે 18 જૂનથી કોવિડ 19ની ગાઈડલાઈન મુજબના નિયમોના ચુસ્ત પાલન સાથે દર્શનાર્થીઓ માટે મંદિર ખોલવામાં આવ્યું છે. ત્યારે રથયાત્રાને લઈને ભાવિકોમાં ઇંતેજારી જોવા મળી રહી છે.