ખેડા: વર્ષોની પરંપરા મુજબ દેવદિવાળીના પર્વે મંદિરમાં તેલ, ઘી અને મીણના દીવાઓથી રોશની કરી મંદિરને ઝગમગાટ કરવામાં આવે છે. સંતરામ મહારાજ જ્યોત સ્વરૂપે બિરાજે છે. શ્રી સંતરામ મહારાજ જ્યોત સ્વરૂપે અહીં બિરાજે છે. 194 વર્ષ પહેલા મહારાજે સમાધિ લીધી ત્યારે તેમની ઉર્જાથી અહીં દીવા પ્રગટ્યા હતા. જેને લઈ વર્ષોથી પરંપરા પ્રમાણે મંદિરમાં દેવ દિવાળીએ ઘી, તેલ અને મીણના હજારો દીવા કરીને મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવે છે.
મંદિરનો અલૌકિક નજારો જોવા મળ્યો: દેવ દિવાળીએ સંધ્યા ટાંણે મંદિરના શિખરથી લઈને પરિસર તથા આગળ સર્કલ સુધી હજારોની સંખ્યામાં દીપમાળાઓ પ્રગટાવવામાં આવી હતી. અસંખ્ય દીપમાળાઓથી મંદિર સજી ઉઠતાં ભવ્ય અલોકિક નજારો જોવા મળ્યો હતો. ભવ્ય આતશબાજી સાથેનો આ અલૌકિક નજારો જોવા મોટી સંખ્યામાં ભાવિકો મંદિરમાં ઉમટી પડ્યા હતા.
ભાવિકોનો મહેરામણ ઉમટ્યો: મંદિરમાં દર્શન માટે વહેલી સવારથી જ મોટા સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.દેવ દિવાળી નિમિત્તે મંદિરમાં વહેલી સવારે અખંડ જ્યોતના દર્શન તેમજ પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે મહારાજની આજ્ઞાથી મંદિરના ખૂણે ખૂણે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. સમગ્ર મંદિર હજારો દિવડાઓની જ્યોતથી ઝળહળી ઉઠ્યું હતું. સાથે જ સમગ્ર મંદિર પરિસર જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
મંદિરના સંત નિર્ગણદાસજી મહારાજે જણાવ્યુ હતું કે મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ અસંખ્ય દીવડા પ્રગટાવી દેવ દિવાળીની ઉજવણી થાય છે. સંતરામ મહારાજ આપણી વચ્ચે જ્યોત સ્વરૂપે બિરાજે છે. 194 વર્ષ પહેલા સંતરામ મહારાજશ્રીએ સમાધિ લીધી હતી. ત્યારે તેમની ચેતનાથી જ્યોત પ્રગટી હતી.