- ફાગણી પૂનમનો મેળો તેમજ મંદિર બંધ રાખવામાં આવ્યું
- વહીવટી અને પોલીસ તંત્રએ ધજા અર્પણ કરી
- 27થી 29 તારીખ સુધી મંદિર રહેશે બંધ
ખેડાઃ જિલ્લાના ડાકોર શહેરમાં આવેવા રણછોડરાયજી મંદિરમાં રવિવારે એટલે કે ફાગણી પૂનમે બંધ બારણે સવારે 6 વાગ્યાના અરસામાં મંગળા આરતી થઈ હતી. વધતા કોરોના સંક્રમણને લઈને મંદિર મેનેજમેન્ટ તેમજ વહીવટી તંત્ર દ્વારા ડાકોર ખાતે યોજાતો ફાગણી પૂનમનો મેળો તથા તારીખ 27થી 29 એમ ત્રણ દીવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચોઃ ભગવાનની હાજરીમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
વહીવટી અને પોલિસ તંત્રએ ધજા અર્પણ કરી
જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મંગળા આરતી બાદ પરંપરા મુજબ ધ્વજપૂજા કરી ધજા અર્પણ કરવામાં આવી હતી. જેમાં કલેક્ટર આઈ. કે.પટેલ, SP અને IG ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા અને રાજ્યની સુખાકારી માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસને રણછોડજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચોઃ ડાકોર મંદિર ત્રણ દિવસ સુધી ભાવિકો માટે બંધ
ફાગણી પૂનમે મંગળા આરતીનું વિશેષ મહત્વ
ડાકોર ખાતે ફાગણી પૂનમના દિવસે મંગળા આરતીનું ખૂબ મોટું મહત્વ રહેલું છે. જેને લઈ પ્રતિવર્ષ ફાગણી પૂનમે લાખો ભાવિકો ડાકોર દર્શને આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. જો કે આ વર્ષે મંદિર અને મેળો બંધ રહેતા ભાવિકો વગર મંદિર જાણે સૂનું દેખાયું હતું. મંદિર બંધ રહેતા ભાવિકોમાં નિરાશા ફેલાઈ હતી.
ભાવિકોના આરોગ્યની સુખાકારી માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય: કલેક્ટર
ફાગણી પૂનમનો મેળો તેમજ મંદિર બંધ રાખવામાં આવતા ભાવિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ અંગે કલેક્ટર આઈ. કે. પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને લઈને મંદિર બંધ રાખવામાં આવ્યું છે.મોટી સંખ્યામાં આવતા ભાવિકોના આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે.