કલેક્ટરે ખેડામાં ધો-1માં પ્રવેશ પાત્ર એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહી જાય તે જોવાનું જણાવી ધો-8 પાસ કર્યા બાદ તમામ બાળકો ધો-9માં પ્રવેશ મેળવે તે સુનિશ્વિત કરવા જણાવ્યું હતું. તેમજ પ્રાથમિક શાળા, ધો-9 અને આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોની યાદી તૈયાર કરી તમામ બાળકોને શાળા પ્રવેશ અપાવવા જણાવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શાળામાં સબંધિત કલસ્ટરનો રિવ્યુ કરવામાં આવશે. મુખ્ય શિક્ષકો તેમાં ઉપસ્થિત રહીને અધિકારી-પદાધિકારીઓ સમક્ષ સબંધિત સી.આર.સી.એ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું રહેશે. જેમાં શાળાની વિગતો ચકાસવી જેવી કે, વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકોની સંખ્યા, ઓરડા, મેદાન, સેનીટેશન, પાણીની સુવિધા, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, મિશન વિદ્યા, નિદાન અને ઉપચારાત્મક કાર્યક્રમની વિગત, બાહ્ય મુલ્યાંકન, ઓનલાઇન ડેટા, શિક્ષકોની હાજરીની વિગતો તપાસવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણ થાય બાદ તેનું ફોલોઅપ લેવામાં આવશે. જેમાં મુખ્ય શિક્ષક દ્વારા નામાંકન થયેલું. પરંતુ અનિયમિત હાજર રહેતા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરાશે. વાલી સંપર્ક કરીને બાળક શાળામાં હાજર રહે તે માટેના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવશે. બાળકની ગેરહાજરી બાબતે શિક્ષક મુખ્ય શિક્ષક અને એસ.એમ.સી.ના સભ્યોની મદદથી બાળકોની હાજરી સુનિશ્વિત કરાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.કે.પટેલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આયોજનની તૈયારીઓની વિગતો આપી હતી. જિલ્લામાં ધો-1માં 21900 ઉપરાંત બાળકોનું શાળામાં નામાંકન કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા, જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે સહિત અધિકારીઓ હાજર રહ્યાં હતા.