જુનાગઢ: આ વર્ષ દરમિયાન લસણની આવક અને તેના બજાર ભાવ સૌ કોઈને અકડાવી રહ્યા હતા, 15 દિવસ પૂર્વે બજારમાં છૂટક લસણ 400 રૂપિયા થી લઈને 450 રૂપિયા સુધી જોવા મળતી હતી, પરંતુ હવે પુરવઠો અને ડિમાન્ડની ચેનની વચ્ચે લસણના બજાર ભાવોમાં પ્રતિ એક કિલોએ 100 થી લઈને 200 સુધીનો ખૂબ મોટો ઘટાડો થયો છે.
આગામી દિવસોમાં હજુ પણ છૂટક બજારમાં લસણના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. જેમ-જેમ શિયાળો આગળ વધશે, તેમ તેમ લસણની આવક વધતા તેના બજાર ભાવ ઓછા થવાની શક્યતા APMCના વેપારીઓએ વ્યક્ત કરી છે.
લસણના બજાર ભાવોએ અપાવી રાહત
સમગ્ર વર્ષ દરમિયાન લસણના બજાર ભાવો સૌ કોઈને અકડાવી રહ્યા હતા, ન માત્ર ખરીદદાર પરંતુ જથ્થાબંધ વેપારીઓ પણ સતત ઉંચી જઈ રહેલી લસણની બજારને કારણે એકદમ મુશ્કેલીમાં હતા. પંદર દિવસ પૂર્વે જૂનાગઢની સ્થાનિક બજારમાં જે લક્ષણ 400 થી લઈને 450 રૂપિયા પ્રતિ એક કિલોના ભાવે વેચાઈ રહ્યું હતું. તેમાં હવે 15 દિવસ બાદ 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનો સૌથી મોટો ઘટાડો પણ નોંધવામાં આવ્યો છે.
સમગ્ર વર્ષ દરમિયાન લસણના બજાર ભાવોએ એક મોટી ચિંતા ઊભી કરી હતી. પરંતુ નવા લસણની આવકની સામે સ્થાનિક ખેડૂતો દ્વારા ઉત્પાદિત લસણ પણ હવે ધીમે ધીમે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવી રહ્યું છે. જેને કારણે માંગની સામે પુરવઠો યથાવત અને જરૂરિયાત કરતા વધારે લસણ આવતા લસણના છૂટક બજાર ભાવ સતત ઘટતા જોવા મળી રહ્યા છે. પાછલા 15 દિવસમાં પ્રતિ એક કિલો છૂટક બજારમાં લસણના બજાર ભાવ 100 થી લઈને 200 રૂપિયા ઘટ્યા છે, તેમાં પણ હજુ ઘટાડો થાય તેવી શક્યતા છે.
આઠ ક્વિન્ટલ લસણની આવક
જુનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજે અઠવાડિયાના અંતિમ દિવસે 8 ક્વિન્ટલ લસણની આવક થઈ છે. સોમવારથી લઈને શુક્રવાર સુધી લસણની આવક સદંતર બંધ હતી પરંતુ જથ્થાબંદ વેપારીઓ દ્વારા જે રીતે લસણ સ્ટોક કરવામાં આવ્યું હતું. જેને કારણે માંગની સામે પુરવઠો વધારે હોવાને કારણે લસણની આવક એકદમ બંધ થઈ ગઈ હતી, પરંતુ આજે આઠ ક્વિન્ટલ જેટલું લસણ બજારમાં ઠલવાયું છે.
આજના દિવસે લસણના બજાર ભાવ 2000થી લઈને 3000 સુધીની કિંમતે જોવા મળી રહ્યા છે. આજથી બે ત્રણ મહિના પૂર્વે લસણની બજાર 4,500 થી લઈને 6,500 સુધી પહોંચી ગઈ હતી, જેમાં હવે નોંધપાત્ર અને સતત ઘટાડો થઈ રહ્યો છે, જેની સીધી હકારાત્મક અસર લસણના બજાર ભાવો પર થઈ રહી છે.