નડિયાદઃ નડિયાદના આખડોલ ગામ પાસેથી પસાર થતી મહી કેનાલમાં ગઇરાત્રે નાનું ગાબડું પડ્યું હતું. જેને સિંચાઇ વિભાગ દ્વારા માત્ર રેતીની બોરીઓ મૂકી ગાબડું પુરવાની કામગીરી પૂરી કરવામાં આવી હતી. જે બાદ આજે ગુરુવારની બપોરે આ ગાબડું મોટું થયું હતું. લગભગ 30 ફૂટ જેટલું ગાબડું પડી જવા પામ્યું હતું. જેને લઈ કેનાલના પાણી આખા ગામમાં અને ખેતરમાં ફરી વળ્યાં હતાં.
ઘટનાની જાણ થતાં સિંચાઇ વિભાગના અધિકારીઓ મોડે મોડે કેનાલ પર પહોંચ્યાં હતાં અને માટી તેમ જ રેતીની બોરીઓ નાખી કામચલાઉ ગાબડું પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે કેનાલમાં પાણીનું લેવલ ઓછું કરવામાં આવ્યું છે. જો કે, કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી કેનાલ બે કાંઠે હોઈ ગાબડું પડવાને પગલે ગામમાં પાણીપાણી થઈ જવા પામ્યું હતું. વગર વરસાદે કૃત્રિમ પૂરની પરિસ્થિતિ ઊભી થવા પામી છે. જેને લઈ ગ્રામજનો દ્વારા સિંચાઈ વિભાગની કામગીરી અંગે અસંતોષની લાગણી વ્યક્ત કરાઈ હતી.