ઉતરાયણ પર પતંગનું મહત્વ એક-બે દિવસ કે અઠવાડિયા પૂરતું હોય છે. પરંતુ, નડિયાદમાં પતંગનું મહત્વ આખા વર્ષ માટે રહેલું છે. પતંગ નડિયાદના અનેક પરિવારો માટે રોજગારીનું માધ્યમ છે. શહેરના ગાજીપુરા વિસ્તારમાં 100 ઉપરાંત પતંગના કારખાના આવેલા છે. જેમાં 500 જેટલા કારીગરો કામ કરે છે. જે નાની-મોટી રંગબેરંગી 50 પૈસાથી લઈને દસ રૂપિયા સુધીની તમામ પ્રકારની પતંગ બનાવે છે. આ કારીગરો પરંપરાગત રીતે પતંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જે કારીગરો મિનિટમાં સાત જેટલા પતંગ બનાવે છે. આ કારખાનાઓમાં રોજની હજારો પતંગો બનાવવામાં આવે છે. જે રાજ્યભરમાં મોકલવામાં આવે છે. નડિયાદમાં બનાવવામાં આવેલી આ પતંગોની રાજ્યમાં વિવિધ શહેરોમાં ભારે માગ રહે છે.
હવે ઉતરાયણ નજીક હોઈ આ કારખાનાઓમાં હાલ દિવસ-રાત પતંગ બનાવવામાં આવી રહી છે. જો કે મંદીની અસર પતંગના માર્કેટમાં પણ જણાઈ રહી છે. જેને લઈને આ વર્ષે પતંગની માગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને પગલે પતંગનું ટર્નઓવર ઓછું રહેવાનો અંદાજ છે.