નડિયાદ ખાતે આવેલ ઇપ્કોવાલા હોલથી સવારે ‘રન ફોર યુનિટી’નો કાર્યક્રમ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે, વિશ્વ વિભૂતિ, મહામાનવ, દેશની એક્તા અને અખંડિતતાના શિલ્પી, ગુજરાતના પનોતા પુત્ર અને લોહપુરૂષ સરદાર સાહેબની જન્મ ભૂમિ નડિયાદમાં ‘રન ફોર યુનિટી’માં ઉમટેલા અબાલ વૃધ્ધ, યુવાનો અને મહિલાઓમાં એક અલગ ઉત્સાહ, ધગશ અને ગર્વ છે.
શિક્ષણપ્રધાને ‘રન ફોર યુનિટી’ની રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સરદાર સાહેબના જન્મ સ્થળે સરદાર સાહેબના ફોટાને પુષ્પહાર પહેરાવી પુષ્પાંજલી અર્પી હતી. આ પ્રસંગે તેઓ ભાવવિભોર બની ગયા હતા અને ખુબ જ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. આ રેલી નડિયાદ શહેરની પોળોમાં ફરી હતી અને જય સરદારના નાદથી ગુંજી ઉઠી હતી. આમ, નડિયાદ શહેર સરદારમય બન્યું હતું. ‘રન ફોર યુનિટી’માં સાંસદ દેવુંસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર સુધીર પટેલ, જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રા, નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા, ડી.વાય.એસ.પી. વી.જે. રાઠોડ, ચીફ ઓફિસર, કાઉન્સિલર મનીષભાઇ દેસાઇ, કાઉન્સિલર પરીનભાઇ બ્રહ્મભટ્ટ, પોલીસ દળના સદસ્યો, શાળા કોલેજના બાળકો, હોમગાર્ડના સદસ્યો, શહેરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં બહેનો-વૃધ્ધો-યુવાનો જોડાયા હતાં.