નડિયાદઃ ખેડા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સેન્ટ મેરીસ હાઇસ્કૂલ નડિયાદ ખાતે વર્ષ 2020 માટે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ વિધાનસભાના દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે વિધાનસભાના દંડક પંકજ દેસાઇએ તમામ પારિતોષિક વિજેતા શિક્ષકોને સરકાર તરફથી અભિનંદન આપતા જણાવ્યું હતું હતું કે, સમાજમાં શિક્ષકનું આદરપાત્ર સ્થાન છે. શિક્ષક તરીકેની ગરીમાં જાળવી જો આ વ્યવસાયને ન્યાય આપશે તો આવનારા ભારતના ભવ્ય નિર્માણમાં તેમનું યોગદાન અમૂલ્ય લેખાશે. તેમણે જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ 5 સપ્ટેમ્બરે દિવસે સમગ્ર ભારત વર્ષમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણશ્રીએ જણાવ્યું હતું કે, હું પ્રથમ શિક્ષક છું પછી રાષ્ટ્રપતિ જે બતાવે છે કે તેઓના જીવનમાં શિક્ષકનું મૂલ્ય કેટલુ ઉંચુ હતું. આજે પણ તેઓના જીવનમાંથી આદર્શ અને મૂલ્યનિષ્ઠ જીવનની પ્રેરણા અવિરત મળી રહી છે. સુસંસ્કૃત સમાજના નિર્માણ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. સરકાર પણ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ અને કન્યા કેળવણી દ્વારા શિક્ષણને પ્રાધાન્ય આપી રહી છે અને તેને લોકભોગ્ય બનાવવા સતત પ્રયત્નશીલ છે.
આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, શિક્ષણ માનવ જીવનમાં અમૂલ્ય છે, પરંતુ આ અમૂલ્ય શિક્ષણ આપનારા શિક્ષકો તેનાથી પણ ઉપર છે. તેઓ દ્વારા જ કુમળા બાળકોને સારા સંસ્કાર, સુવિચાર અને શ્રેષ્ઠ માનવ બનવાના ઉત્તમ ગુણો મળે છે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષકો દ્વારા જ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ શક્ય બને છે.
આ કાર્યક્રમમાં જિલ્લા/તાલુકા ક્ક્ષાના 9 શિક્ષકોને પ્રશસ્તિ પત્ર અને શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા. જ્યારે નેનપુર ગામની પ્રમુખસ્વામી વિનય મંદિરના મદદનીશ શિક્ષક વિપુલભાઇ ડાહયાભાઇ પટેલનું મુખ્યપ્રધાનના હસ્તે રાજય કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માધ્યમિક અને ઉ.માધ્યમિક વિભાગમાં જિલ્લા પારિતોષિક એવોર્ડ મહેમદાવાદ તાલુકાના એમ.એન.શાહ હાઇ. માંકવાના કેયુરભાઇ કિરીટકુમાર શાહને આપવામાં આવ્યો હતો. પ્રાથમિક શાળાના શિક્ષકો માટે જિલ્લા પારિતોષિક એવોર્ડ કઠલાલના વિશ્વપુરા પ્રા. શાળાના શૈલેષભાઇ એમ. પ્રજાપતિ અને નડિયાદ તાલુકાના રધુનાથપુરા પ્રા.શાળાના ગુલામરસુલ બી.વહોરાને આપવામાં આવ્યા હતા. સી.આર.સી/બી.આર.સી કેડરમાં જિલ્લા પારિતોષિક માટે મહેમદાવાદ તાલુકાના બી.આર.સી.કો.ઓ. દિપકકુમાર રમેશચંદ્ર સુથારને આપવામાં આવ્યો હતો. તાલુકા પારિતોષિક એવોર્ડ માટે નડિયાદ તાલુકાની સલુણ ગામની વૈદ્યનો કુવો પ્રા.શાના શિક્ષક સંજયકુમાર જશભાઇ વાઘેલા અને ભુમેલ પ્રા.શાળાના નિલેશકુમાર ખોડાભાઇ બ્રહ્મભટ્ટને, મહેમદાવાદ તાલુકાના હાથનોલી પ્રા.શાળાના સંજયકુમાર રમેશલાલ પટેલને અને વણસોલ સુંઢા પ્રા.શાળાના સંજયકુમાર રાજેશભાઇ સચદેવને તથા ખેડા તાલુકાના વાવડી પ્રા.શાળાના હિરેનકુમાર એચ. શર્માને આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ, જિલ્લાના શિક્ષકો મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.