યાત્રાધામ ડાકોરમાં રહેતા શિક્ષક જય નારાયણ પુરોહિતે તેમની પુત્રી ધારા સાથે મળી સ્વચ્છતાના ગરબાની કર્ણપ્રિય રચના બનાવી છે. હાલ નવરાત્રી આવી રહી હોવાથી માં અંબાના ગરબાની સાથે જ આ સ્વચ્છતાનો ગરબો પણ ગવાય અને લોકોને પણ સ્વચ્છતા જાળવવાની પ્રેરણા મળે તે માટે આ ગરબાની રચના કરાઈ છે.
આધુનિક યુગમાં લોકોની બદલાયેલી લાઈફ સ્ટાઇલ અને પ્લાસ્ટિકના બેફામ ઉપયોગને કારણે પર્યાવરણને ખૂબ હાનિ પહોંચી રહી છે. ત્યારે લોકો પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવી પર્યાવરણનું જતન કરવામાં પોતાનો ફાળો આપે તે માટે એક સરસ સંગીતમય સંદેશ આ ગરબાના માધ્યમથી મળી રહે છે. આ પિતા-પુત્રી જાણે કે આ ગરબાના માધ્યમથી લોકોને સ્વચ્છતા જાળવવા તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની સુરીલી અપીલ કરી રહ્યા છે. નવરાત્રી પહેલા જ સ્વચ્છતાનો આ ગરબો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સંદેશ પહોંચાડી રહ્યો છે. સાથે જ લોકો પણ આ ગરબાને પણ ખૂબ જ પસંદ કરી રહ્યા હોવાથી આ ગરબાનો ઉદ્દેશ સિદ્ધ કરી રહ્યો છે.