ખેડા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું મતદાન 23 એપ્રિલના રોજ છે. ખેડા જિલ્લામાં 8180 દિવ્યાંગ મતદારો નોંધાયા છે. દિવ્યાંગ મતદારો ચૂંટણીમાં સરળતાથી મતદાન કરી શકે તે માટે 109 વ્હીલ ચેર અને 170 જેટલા સહાયકો ઉપલબ્ધ કરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી સુધીર પટેલે જણાવ્યું હતુ.
દિવ્યાંગે જણાવ્યું હતુ કે,ચૂંટણી તંત્ર દ્વારા અમારા માટે વ્હીલચેર અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. જે ખરેખર સરાહનીય છે.જિલ્લા ચૂંટણી અધિકારી સુધીર પટેલે કહ્યું કે, ખેડા જિલ્લામાં દિવ્યાંગ ,પ્રજ્ઞાચક્ષુ તેમજ વયોવૃધ્ધ મતદારોને મતદાન માટે અગ્રીમતા આપવામાં આવશે. મતદાન એ આપણો અધિકાર છે.ત્યારે લોકશાહીને મજબૂત બનાવવા માટે દિવ્યાંગો મતદારોમાં પણ લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે ઉનેરો ઉત્સાહ છે.
ખેડા જિલ્લાનો એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય સાથે દિવ્યાંગ મતદારો માટે પણ ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારો મતદાન મથકોએ સરળતાથી જઇ શકે તે માટે દરેક મતદાન મથક ઉપર ઢોળાવ (રેમ્પ) તેમજ વ્હીલ ચેરની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારી કહ્યુ કે, માતરમાં 2, નડિયાદમાં ૧૦, મહેમદાવાદમાં ૧૭, મહુધામાં ૨૦, ઠાસરામાં ૧૮ અને કપડવંજ વિધાનસભા મતવિભાગમાં ૪૨ સહિત કુલ ૧૦૯ વ્હીચેલ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા દિવ્યાંગ મતદારોમાં ઉનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તનથી અશકત પણ મનથી સશકત લોકશાહીના સૈનિકો મતદાન કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવવા માટે સંકલ્પબધ્ધ બન્યા છે.