ખેડાઃ જિલ્લાના મહુધાના અલીણામાં પિતા દ્વારા પુત્રની હત્યા કરવાની ઘટના સામે આવી છે. હાલ લોકડાઉન હળવું થતા પોતાની દીકરીના ઘરે રહેતા માતા-પિતા પોતાના ઘરે પરત ફરતા પુત્ર દ્વારા તેઓને ઓળખવાનો ઈન્કાર કરી પાછા ચાલી જવાનું જણાવ્યું હતું.
આ બાબતે મામલો બિચકતા પિતા દ્વારા પોતાના પુત્રની હત્યા કરવામાં આવી હતી. જે મામલે મહુધા પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહુધા તાલુકાના અલીણાના સાંકળીયાની મુવાડી ખાતે રહેતા શકરાભાઈ પરમાર પોતાની પત્નિ ડાહીબેન સાથે છેલ્લા ત્રણેક માસથી કોરોનાને પગલે જાહેર થયેલા લોકડાઉનમાં આણંદના વલાસણ ગામે પોતાની દીકરીના ઘરે રોકાઈ ગયા હતા.
હાલ લોકડાઉન હળવું થતા પોતાના ઘરે પરત ફરી શકાય તેમ હોઇ દીકરી સરોજબેન માતા-પિતાને સાંકળીયાની મુવાડી ખાતે ઘરે પરત મુકવા ગયા હતાં. જ્યાં પુત્ર વિષ્ણુભાઈએ પોતાના માતા-પિતાને હું તમને ઓળખતો નથી, અહીં કેમ આવ્યા છો બધા પાછા જતા રહો નહી તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી અપશબ્દો બોલી માર માર્યો હતો.
જેને લઈ ઝપાઝપી થઇ હતી. જેમાં મૃતક વિષ્ણુભાઈ ઘરમાં ભાલો લેવા જતા આરોપી પિતા શકરાભાઈએ લાકડાનો દસ્તો વિષ્ણુભાઈને માથામાં ઉપરાઉપરી મારી દેતા વિષ્ણુભાઈનું મોત નિપજ્યુ હતું. જે મામલે મહુધા પોલીસ દ્વારા આરોપી પિતા શકરાભાઈ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.