ખેડાઃ દેશવ્યાપી લોકડાઉનનો નાગરિકો દ્વારા ભંગની ફરિયાદો પોલિસને મળી રહી છે. તો બીજી તરફ લોકલ ટ્રાન્સમિશનને લઈ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. ત્યારે ડાકોર પંથકના ગામોના અગ્રણીઓ અને શહેર પોલિસના સંકલનથી ઉભી થયેલ ગામ પ્રવેશબંધી અને ચેકપોસ્ટ પદ્ધતિ જીલ્લામાં નવી રાહ ચીંધે છે.
જીલ્લામાં કોવિડ-19 અટકાયતી પગલા જીલ્લા વહિવટીતંત્ર દ્વારા લેવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં આગામી 3 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ વાઈરસ એકબીજાના સંપર્કમાં આવવાથી તથા સોશ્યલ ડિસ્ટન્સના અભાવને કારણે ઝડપથી ફેલાય છે. જેથી કામ વગર ઘરની બહાર ના નીકળવા સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ડાકોર પોલિસ સ્ટેશનના PSI આર. બી.ચાવડાને પેટ્રોલિંગ દરમિયાન તે પંથકના સરપંચો અને અગ્રણીઓએ લોકલ ટ્રાન્સમિશનથી પોતાના ગામો કોરોનાનો ભોગ ન બને તે માટે પોલિસ ચેકપોસ્ટ ઉપર અને ગામમાં વધુ પોલિસ જવાનો મુકવા રજૂઆતો કરાતી હતી. જોકે આ રજૂઆતે જીલ્લાને નવું વ્યવસ્થા મોડેલ આપ્યું છે. કોરોના સંક્રમણ રોકવા માટે ગામના સરપંચની સાથે સુરક્ષામાં પોલિસ સાથે પીપીપી મોડની થીયરી અપનાવી ગામના યુવાનોને ભાગીદાર કરવા નક્કી કર્યું છે.
કોરોના વાઈરસથી ગામની સુરક્ષાને પ્રાધાન્ય આપતા સરપંચો અને ગામ આગેવાનોએ આ પ્રસ્તાવ સ્વીકારી પોલિસ હદના ભદ્રાસા, રાણીયા, પાંડવણીયા, ઢુંણાદરા,મા સરા,મોર આંબલી, બોરડી સહિતના કેટલાક ગામોએ આ અભિગમ અમલમાં મુક્યો છે. આ કામમાં સહભાગી લોકો 24 કલાક શિફટ પ્રમાણે ગામમાં પ્રવેશ માર્ગ પર પહેરેદારી કરે છે સાથે એક પોલિસકર્મી પણ હોય છે. ગામમાં પ્રવેશ માર્ગોને પણ બરીકેડ કર્યા છે. નવતર અભિગમ પ્રયોગ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યો છે.
PSI આર.બી.ચાવડાએ જણાવ્યું હતું કે, આ પ્રયોગથી પોલિસ કર્મીઓ પર કામનું ભારણ ઓછું થયું છે.