ખેડા જિલ્લાના કલેકટર સુધીર પટેલે જણાવ્યું કે, ગામડાઓમાં પીવાના પાણીની રજૂઆતોનો સત્વરે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. ખેડા જિલ્લાના ગામડાઓમાં આગામી ચોમાસા સુધી પરિસ્થિતિ હળવી ન બને ત્યાં સુધી પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને જરૂરી હેન્ડ પંપ, નવીન બોર બનાવવાની કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપી હતી. તેમજ જિલ્લામાં બોર્ડ દ્વારા સત્વરે કામગીરી હાથ ધરાતા કપડવંજ તાલુકા સહિત વિવિધ ગામડાઓમાં સમસ્યા હળવી થઇ છે. કલેકટરે પીવાના પાણીની જે રજૂઆતો મળે તેનો સત્વરે ઉકેલ કરવા જણાવ્યું હતું.
કાર્યપાલક ઇજનેર પી.એસ.ડાંગીએ ખેડા જિલ્લામાં સમસ્યાના નિરાકરણ માટે બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો આપી ગામડાઓમાં કામો ઝડપભરે પૂર્ણ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જિલ્લામાં ઉનાળો પૂર્ણતાના આરે હોઇ મુશ્કેલીવાળા ગામોમાં રજૂખાતો સંદર્ભે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લામાં 100 જેટલા હેન્ડપંપોની મરામત કરવામાં આવતા પીવાના પાણીના પ્રશ્નો હલ થયા છે.
ડાંગીએ ઉમેર્યું કે, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં રજૂ થયેલા પીવાના પાણીના પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે,ખેડા તાલુકાના વાસણા બુઝર્ગ ગામે હેન્ડપંપ માટે નવીન બોર બનાવતા સમસ્યા હળવી થઇ છે. ખેડા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જળ સંચય અને જળ સંગ્રહના 695 કામો હાથ ધરવામાં આવ્યા હતા. જે પૈકી 174 કામો પૂર્ણ થયા છે. જયારે 217 કામો પ્રગતિમાં છે.
કલેકટર સુધીર પટેલ દ્વારા અભિયાન હેઠળના કામો સત્વરે પૂર્ણ કરવા સિંચાઇ વિભાગના અધિકારીઓને સુચનાઓ આપી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદી, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, પ્રાંત અધિકારીઓ, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર સોલંકી સહિત પાણી પુરવઠા અને સિંચાઇ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં.