ખેડા: જિલ્લાના મહુધા તાલુકાના ભુમસ ગામે કિડની કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપો કરતી લેખિત રજૂઆત અરજદાર દ્વારા ખેડા જિલ્લા પોલીસવડાને કરવામાં આવી હતી. જેમાં વ્યાજખોર ઈસમ દ્વારા ગામના 10 થી 12 જેટલા વ્યક્તિની કિડનીઓ કઢાવી લેવામાં આવી હોવાની રજૂઆત કરી હતી. જે રજૂઆતને પગલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસ તપાસ દરમિયાન સમગ્ર બાબત ખોટી હોવાનું પુરવાર થયું હતું.
'ગોપાલે જે આક્ષેપ કર્યા છે તે મૂળ વ્યાજે લીધેલા રૂપિયા બાબતે આક્ષેપિત ધમકી આપતા અપમાનનો બદલો લેવા આ પ્રકારની રજૂઆત કરી છે. તપાસમાં આક્ષેપો ખોટા હોવાનું પુરવાર થયું છે. આ મામલે ગેરમાર્ગે દોરવા બદલ કાર્યવાહી કરાશે. તેમજ લાયસન્સ વિના વ્યાજે રૂપિયા આપતા હશે તો તેની કાર્યવાહી કરાશે.' -રાજેશ ગઢીયા, એસ.પી, ખેડા
ખોટી અરજી કરી: મહુધા તાલુકાના ભુમસ ગામ ગોપાલ પરમાર નામના અરજદાર દ્વારા તારીખ 15 સપ્ટેમ્બરના રોજ ગામનો અશોક પરમાર નામના ઈસમ ઊંચું વ્યાજ વસૂલતો હોવાની પોલીસને રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે 20 હજાર રૂપિયાના 50 હજાર રૂપિયાની માંગણી કરે છે. તે બાબતે પોલીસને લેખિત રજૂઆત કરી હતી. પરંતુ તે અરજી બાદ પોલીસ તપાસમાં ધ્યાન નહીં આપે એવું લાગતા તેમણે અશોક પરમારે કિડની કૌભાંડ કર્યું હોવાના આક્ષેપો કરી ખોટી અરજી કરી હતી.
કિડની કૌભાંડ બાબતો કરી હતી અરજી: ગોપાલભાઈ પરમારે કરેલી અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેના જ ગામમાં રહેતા અશોકભાઈ પરમાર ભુમસ ગામના બસ સ્ટેન્ડ પાસે પાન બીડીની દુકાન ચલાવે છે. આ અશોકભાઈ પરમાર પાનબીડીના ધંધાની સાથે સાથે વ્યાજનો પણ ધંધો કરે છે. અશોકભાઈ લેણદાર જોડે ઉંચુ વ્યાજ વસુલે છે. અગર જો લેણદાર રૂપિયા પાછા ન આપે તો તેની કિડની કાઢી લેવામાં આવે છે. કિડની કાઢ્યા બાદ લેણદારને બે લાખ રૂપિયાથી અઢી લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. અરજીમાં અશોકભાઈ પાસેથી વ્યાજે રૂપિયા લેનારની અશોકભાઈએ કિડની કઢાવી લીધી હોય તેવા 10 વ્યક્તિઓના નામ પણ લખ્યા હતા.
પોલીસ તપાસમાં આક્ષેપો ખોટા હોવાનું પુરવાર: ગંભીર અરજીને ધ્યાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ અરજીની ચોકસાઈ કરવા ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અરજદારને બોલાવી તેની વધુ પુછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ અરજીમાં નામ લખેલા 10 વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા આ 10 વ્યક્તિઓમાંથી છ વ્યક્તિઓ એલસીબી કચેરીએ પહોંચ્યા હતા. આ છ વ્યક્તિઓને પૂછતાછ કરતા પોલીસમાં અરજી કરેલ અરજદારનો ભાંડો ફૂટ્યો હતો.અરજી કરેલ અરજદાર ગોપાલ પરમાર દ્વારા ગામના જ અશોક પરમાર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા.
કિડની કૌભાંડ રચ્યું: હકીકત એવી છે કે અરજદાર ગોપાલ પરમાર જે પોતે મોટા પ્રમાણમાં જુગારનો શોખ ધરાવે છે. પોતાની જમીન જાગીર વેચીને તમામ રૂપિયા જુગારમાં હારી ગયો છે. ત્યારબાદ તેને વધુ રૂપિયાની જરૂર હોવાથી તેણે અશોક પરમારનો સંપર્ક સાધ્યો હતો. અશોક પરમારની 2016 માં આણંદના પંડોળીના કિડની કૌભાંડમાં પોલીસે પૂછપરછ થઈ હતી. જે કૌભાંડની કાયદેસર કાર્યવાહી થઈ હતી. જે બાબતે ગોપાલ પરમાર જાણતો હતો તેણે અશોક પરમારને કહ્યુ હતું કે મારે રૂપિયાની જરૂર છે હું મારી કિડની આપવા તૈયાર છું. જો તમારા ધ્યાને કોઈ હોય જે મને રૂપિયાની મદદ કરે બદલામાં હું એને મારા શરીરની કિડની આપું.
કિડની વેચવાની વાત: જે બાદ અશોક પરમાર તેની જોડે જવા તૈયાર થતા તેઓ પશ્ચિમ બંગાળ ખાતે ગયા હતા.જ્યાં તેમણે કિડની વેચવાની વાત કરી એક વ્યક્તિ પાસેથી એક લાખ રૂપિયા લીધા હતા.જે બાદ તેઓ બંને ત્યાંથી ભાગી આવ્યા હતા.એક લાખ રૂપિયા માંથી ગોપાલે 60 હજાર લઈ 40 હજાર અશોક પરમારને આપ્યા હતા. જે બાદ ગોપાલે અગાઉ અશોક પરમાર પાસેથી વ્યાજે લીધેલા રૂપિયા 20 હજારની અશોક પરમારે માંગણી કરી હતી.જે રૂપિયા પરત ન આપવા ગોપાલ પરમારે અશોક પરમારે કીડની કૌભાંડ કર્યું હોવા બાબતે ખોટી અરજી કરવામાં આવી હતી.પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા અરજીમાં કરેલા આક્ષેપો તદ્દન ખોટા હોવાનું બહાર આવ્યું હતું.