- કપડા સુકવવા જતા દીકરીને કરંટ લાગતા માતા પિતાએ બચાવી
- દીકરીને બચાવવાના પ્રયત્નો દરમિયાન કરંટ લાગતા બંનેનું મોત
- દીકરી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ખેડા: મહેમદાવાદ તાલુકાના સણસોલી તાબેના બોગજીપુરા સીમ વિસ્તારમાં રહેતા રતિલાલ ઉકાભાઈ પરમાર (ઉ. વ. 45) સાંજના સમયે પોતાના ઘરે હતા.તે સમયે તેમની 19 વર્ષિય દીકરી સોનલ કપડાં સુકવવા જતી હતી. ત્યારે એકાએક તેમની પુત્રીને વીજ કરંટ લાગ્યો હતો.
આ પણ વાંચો: અલવરમાં પુત્રીઓએ માત્ર 45 મિનિટમાં જ ગુમાવી માતા-પિતાની છત્રછાયા
દીકરીને બચાવવાના પ્રયત્નો દરમિયાન કરંટ લાગતા બંનેનું મોત
નજીકમાં હાજર રતિલાલ અને તેમની પત્ની કોકીલાબેન (ઉ. વ. 42)એ આંખ સામે જ દિકરીને કરંટ લાગતા જોતાં પોતાની દિકરીને વીજ કરંટથી બચાવવા પ્રયત્નો કર્યા હતા. જે દરમિયાન આ દંપતીને પણ વીજ કરંટ લાગ્યો હતો. તેથી રતિલાલ અને કોકીલાબેન બન્ને જમીન પર ઢળી પડ્યા હતા. પરિવારના સભ્યોએ ભેગા મળીને તેમને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બન્નેનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું.
આ પણ વાંચો: ભચાઉ પાસે વાહનની અડફેટે માતા-પુત્રના મોત
દીકરી હોસ્પિટલમાં સારવાર હેઠળ
કરૂણ ઘટનામાં માતાપિતાના પ્રયત્નોને પગલે દિકરીનો બચાવ થયો હતો. જે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ તેના માતા-પિતા મોતના મુખમાં ધકેલાતાં પરિવાર પર આભ તૂટી પડયું છે. બનાવને લઈ ગામમાં ગમગીની ફેલાઈ છે. આ અંગે મહેમદાવાદ પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી દીધી છે.